લોભીયાના ધન ધુતારા ખાય

ગ્રેડ રેટીંગ આપવા અને મોટુ કમિશન આપવાની લાલચમાં ચીટર ગેંગનો શિકાર બન્યા

જામનગરની  ખાનગી પેઢીમાં ઉચ્ચ  અધિકારી સોશિયલ મીડિયાની સાઈટ પર લોભામણી જાહેરાત જોયા પછી તેમાં રોકાણ કરી નાખ્યું હતું જેમાં તેઓની પાસેથી ચારેક મહિનામાં રૃા.1 કરોડ 1ર લાખની રકમ મેળવી લેવાઈ હતી. શરૃઆતમાં ત્રણેક વખત રિટર્ન મળ્યા પછી બાકીની રકમ ઓળવાઈ જાય તેવી પરિસ્થિતિમાં આ આસામીએ સાયબર ક્રાઈમ પોલીસનો ઓનલાઈન સંપર્ક કરી મદદ માંગી હતી. જેના પગલે તેઓની રૃપિયા સાડા બારેક લાખની રકમ બચી ગઈ છે. તે રકમ આ આસામીને સોંપી આપવા અદાલતે હુકમ કર્યો છે.

જામનગરમાં  કંપનીમાં નોકરી કરતા મૂળ વડોદરાના   આસામી ગયા વર્ષે  સોશિયલ મીડિયા પર સમય પસાર કરતા હતા ત્યારે   સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તેઓએ જાહેરાત નિહાળી હતી. તે જાહેરાતમાં લખ્યા મુજબ તે કંપનીની ટિકિટ ખરીદવાથી અને કંપનીને પ્રમોટ કરવા માટે આપવામાં આવેલા રેટીંગમાં ઉત્કૃષ્ટ ગુણ (રેટીંગ) આપવાથી અમૂક ટકા કમિશન આપવામાં આવશે તેવી લાલચ બતાવાઈ હતી. ઉત્સુકતાથી પ્રેરાઈ આ આસામીએ તે જાહેરાતથી દોરાઈ જઈને તેની ટિકિટ ખરીદી હતી.

આ  પછી  તે જાહેરાત આપનાર કંપની દ્વારા જેમ વધુ ટિકિટ ખરીદવામાં આવશે તેમ વધુ કમિશન અપાશે તેવી લાલચ બતાવાઈ હતી. જેથી લલચાયેલા આસામીએ રૃા.50 હજાર થી શરૃ કરી ટિકિટો ખરીદવાનું શરૃ કર્યું હતું. અને કુલ  અંદાજે રૃા.1 કરોડ 12 લાખની ટિકિટ આ આસામીએ ખરીદ્યે રાખી રેટીંગ આપ્યું હતું અને તેઓને કંપની દ્વારા જુદા જુદા દરની ટિકિટો અપાતી રહી હતી.

તે દરમિયાન ત્રણેક વખત કમિશન સાથેની રકમ તે કંપની દ્વારા પરત અપાતા પોતાનું રોકાણ યોગ્ય જગ્યાએ થઈ રહ્યું છે તેમ દૃઢ રીતે માની આ આસામીએ ટિકિટો ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. તે પછી ઉપરોક્ત કંપનીએ વધુ રિટર્ન નહીં આપી છેલ્લે તો વળતર આપવાની બદલે મની લોન્ડરીંગ હેઠળ કેસ થઈ શકે તેવી આડકતરી ચીમકીઓ આપતા જામનગરના આ આસામી ને તેઓ છેતરાયા હોવાનો ભાસ થયો હતો.

સાયબર ક્રાઈમ પોલીસે તેના આધારે તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. આસામીએ પોતાના બેંક એકાઉન્ટમાંથી જે એકાઉન્ટમાં રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી તે ખાતાઓને ફ્રીજ કરાવવાનું શરૃ થયું હતું અને પ્રાથમિક તબક્કે આ આસામીની રૃપિયા સાડા બાર લાખની રકમ ફ્રોડ વ્યક્તિઓના ખાતામાં જતી અટકી હતી.

વધુ રકમ રિકવર કરવા અને આ ફ્રોડમાં સંડોવાયેલા આરોપીઓને ઝબ્બે લેવા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા પુરા જોશથી તપાસ કરાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.