કરણપરામાં કારની રાહ જોઈ રહેલા આંગડીયા પેઢીના બે કર્મચારીની નજર સામે થેલો ઉઠાવી ગઠીયો બાઈક પર ફરાર: સીસીટીવી મદદથી ત્રણ લૂંટારૂની શોધખોળ
શહેરના કરણપરા વિસ્તારમાં બે બાઈક પર આવેલા ત્રણ લૂંટારા આંગણીયા કર્મચારીનો સોના-ચાંદીના ઘરેણા સાથેનો થેલો ઉઠાવી ફરાર થઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સીસીટીવીના આધારે પોલીસે ત્રણેય લૂંટારાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના ખંભાળિયા નાકા બહાર દિગવિજય પ્લોટ શેરી નં.૧૪માં આવેલા રઘુવીર એપાર્ટમેન્ટમાં રહેતા આંગણીયા કર્મચારી મહેશભાઈ ગોવિંદભાઈ વજાણીને એ-ડિવિઝન પોલીસમાં રૂ.૮ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા સાથેના થેલાની ચિલઝડપ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે.
આંગણીયા કર્મચારી મહેશભાઈ અને રમેશભાઈ પોતાના નિત્યક્રમ મુજબ જામનગરના સોની વેપારીને સોના-ચાંદીના ઘરેણાના પાર્સલ લઈને રાજકોટ આવ્યા હતા. રાજકોટથી સોની વેપારીના પાર્સલ લઈ જામનગર લઈ જવા બન્ને આંગણીયા કર્મચારી થેલામાં સોના-ચાંદીના પાર્સલ લઈ કરણપરા ચબુતરા ચોકમાં કારની રાહ જોઈને ઉભા હતા તે દરમિયાન મહેશભાઈ વજાણીએ રૂ.૬ લાખની કિંમતનું ૧૬ કિલો ચાંદી અને રૂ.૨ લાખની કિંમતનું ૬૧ ગ્રામ સોનાના દાગીના સાથેનો થેલો રેકડીમાં રાખી રમેશભાઈ સાથે વાતચીત કરી રહ્યાં હતા તે દરમિયાન કાળા કલરના કપડા પડેરેલા આશરે ૨૫ વર્ષની ઉંમરનો અજાણ્યો યુવાન ત્યાં ધસી આવ્યો હતો અને મહેશભાઈ તથા રમેશભાઈની નજર ચૂકવી રૂ.૮ લાખની મત્તા સાથેનો થેલો ઉઠાવી થોડે દૂર ઉભેલા બાઈક પાછળ બેસી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
કરણપરા આંગણીયા કર્મચારીની રૂ.૮ લાખની મત્તા સાથેના થેલાની લૂંટ થયાની પોલીસને જાણ થતાં ક્રાઈમ બ્રાંચ એસીપી જયદીપસિંહ સરવૈયા, એ-ડિવિઝન પીઆઈ એન.કે.જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આંગણીયા કર્મચારીઓની પુછપરછ દરમિયાન ઘટના લૂંટ નહીં પણ નજર ચૂકવી થેલો સેરવી લીધાની ઘટના હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કરણપરા વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ મેળવી થેલો ઉઠાવી બે બાઈક પર રફુચક્કર થયેલા ત્રણેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ત્રણેય બાઈક સવાર ગઠીયા સોનીબજારથી જ આંગણીયા કર્મચારીનો પીછો કરતા હોવાની શંકા સાથે સોનીબજાર વિસ્તારના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવ્યા હતા. તેમજ આંગણીયા કર્મચારીનો કોઈ પરિચીત સંડોવાયો હોવાની શંકા સાથે પોલીસે ચિલઝડપની ઘટનાનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.