શહેર હવે ખરા અર્થમાં મહાનગરની હરોળમાં આવવા જઈ રહ્યું છે. થોડા સમયમાં શહેરીજનોને મહાનગર અથવા તો મેટ્રો સિટી જેવો અહેસાસ થશે! હા, શહેરનો ઈન્દીરા માર્ગ જામનગરનો પહેલો વિજપોલ ફ્રી (મુકત) માર્ગ બનવા જઈ રહ્યો છે. આ માર્ગ ઉપર ફલાય ઓવરના નિર્માણ સાથે જ સુભાષબ્રિજ થી સાત રસ્તા સુધીનો માર્ગ વિજપોલ ફ્રી બની જશે. અન્ય મેટ્રો શહેરોની જેમ આ માર્ગ ઉપર તમને ભવિષ્યમાં વિજતાર સાથેના વિજપોલ જોવા નહીં મળે. સમગ્ર માર્ગ ઉપર માત્ર સ્ટ્રીટલાઈટના પોલ જ હશે અન્ય કોઇ વિજપોલ નહીં હોય. આ સુખદ દ્રશ્ય જામનગરીઓને મેટ્રોસિટીનો અહેસાસ કરાવશે.
પહેલી વખત જામ્યુકોના કોઇ પ્રોજેકટમાં સાયન્ટિફિક એપ્રોચ જોવા મળશે.મહાનગરપાલિકાના ઈન્દીરા માર્ગ પર રૂા.197 કરોડના ખર્ચે ફલાય ઓવર બનાવી રહી છે. આ ફલાય ઓવરની બન્ને તરફ એપ્રોચ-સર્વિસ રોડ પણ આપવામાં આવશે. આ પ્રોજેકટને વધુ અદ્યતન અને આકર્ષક બનાવવા માટે હાલ માર્ગની બન્ને તરફ જોવા મળતા વિજ કંપનીના વિજતાર સાથેના વિજપોલને દૂર કરવામાં આવશે અને તેના સ્થાને મેટ્રોસિટીની જેમ અન્ડર ગ્રાઉન્ડ કેબલ બેસાડવામાં આવશે. પરિણામે વિજપોલની આવશ્યકતા નહીં રહે.
આમ જામનગરને પણ એક અદ્યતન ફલાય ઓવર સાથેનો માર્ગ મળવા જઈ રહ્યો છે. આ ફલાય ઓવરના નિર્માણ માટે જામ્યુકોએ અપનાવેલો વૈજ્ઞાનિક અભિગમ આવકાર્ય અને ભવિષ્યની જરૂરિયાતને અનુરૂપ છે.
શહેરના અન્ય પ્રોજેકટ અને વિકાસ કામોમાં પણ આવો જ અભિગમ અપનાવવામાં આવે તો આપણું શહેર વાસ્તવિક રૂપમાં મહાનગર બની શકે.
200થી વધુ વીજપોલ દૂર કરવામાં આવશે
જામ્યુકોના પ્રોજેકટ અને પ્લાનિંગ વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાનીના જણાવ્યા અનુસાર ફલાય ઓવરના નિર્માણ સાથે રોડની બન્ને સાઈડ આવેલા વિજ કંપનીના 200 થી વધુ વિજપોલ દૂર કરવામાં આવશે. આ માટે અંદાજે રૂપિયા ત્રણેક કરોડનું ખર્ચ થશે. જે પૈકી બે કરોડની રકમ વિજ કંપનીને જમા કરાવી દેવામાં આવી છે. વિજ કંપની દ્વારા પોલ દૂર કરવાની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે.
હાલના વિજવાયરની જગ્યાએ વિજ કંપની અન્ડરગ્રાઉન્ડ વિજ કેબલ બિછાવશે. આ કામગીરી પૂર્ણ થતા જ ઈન્દીરા માર્ગ શહેરનો પ્રથમ વિજપોલ ફ્રી માર્ગ બની જશે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ ડી.પી. કપાત માટેની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. ડી.પી. કપાત સામે કોઇ જ વાંધા સૂચના રજૂ નહીં થતા લાઈનદોરી મુજબ કપાતનો માર્ગ મોકળો થયો છે. જ્યારે ફલાયઓવરની ડિઝાઈન પણ વેરિફીકેશન માટે સરકારને મોકલી આપવામાં આવી છે જેને લીલીઝંડી મળતા જ ફલાય ઓવરના કામનો પ્રારંભ થઈ જશે.