ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં દુબઇ, સિંગાપુર, મલેશિયાનું બુકીંગ: ગુજરાતમાં કચ્છ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે મુસાફરોમાં ઉત્સુકતા
જામનગર, ગુજરાતી લોકો પોતાના ખાવા-પીવાના શોખને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. રજા મળતાં જ ગુજરાતીઓ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂરિસ્ટ સ્થળોએ વેકેશન માણવા નીકળી પડે છે. વિશ્વમાં ભાગ્યે જ એવું કોઇ પ્રવાસન સ્થળ હશે જ્યાં ગુજરાતીઓના પગલા ન પડ્યા હોય. ખાસ કરીને બાળકોના વેકેશન સમયે તો ગુજરાતીઓ ઘર-ધંધો બંધ કરીને પરિવાર સાથે રજા એન્જોય કરવા નીકળી પડે છે એટલે જ તો દરેક જિલ્લામાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓને સારી એવી આવક પણ થઇ રહી છે. હરવા ફરવાના કિસ્સામાં હાલારની જનતા પણ જરાય પાછીપાની કરતાં નથી. ઉનાળું વેકેશનમાં જામનગરના લોકો હિમાચલ, કાશ્મીર, લેહ લદ્દાખ ફરવા નીકળી પડ્યા છે. ત્યારે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓ પાસેથી જાણીએ કે સૌથી વધુ ક્યા સ્થળે જામનગરવાસીઓ ફરવા નીકળ્યા છે અને કેટલું બજેટ હોય છે. વિહાર ટ્રાવેલ્સના ધંધાર્થીએ જણાવ્યું કે વેકેશન અને ઉનાળાનો સમય હોવાથી જામનગરના લોકો ફરવા જવા માટે ઉત્સુક છે અને ટ્રાવેલ્સ એજન્સીનો સંપર્ક કરી રહ્યાં છે. ખાસ કરીને નોર્થ ઇસ્ટ, હિમાચલ, કાશ્મીર, લેહ-લદ્દાખ માટે સૌથી વધુ ઇન્કવાયરી આવી રહી છે. બીજું કોરોના ગયા પછી તો જાણે લોકોને મુક્તિ મળી હોય તેમ ફરવા જઇ રહ્યાં છે, વાત કરીએ બજેટની તો લોકો બજેટની ચિંતા કરતાં નથી પેકેજ પ્રમાણે પચાસ હજારથી લઇને દોઢ લાખનો ખર્ચ કરી રહ્યાં છે. તો હાલ ત્રણ હજારથી વધુ જામનગરવાસીઓ ડોમેસ્ટિક પ્રવાસન સ્થળોએ ફરવા નીકળી પડ્યા છે. જ્યારે ઇન્ટરનેશનલ સ્થળોમાં ત્રણથી પાંચસો પરિવાર ફરવા નીકળ્યા છે. હજુ પણ ટ્રાવેલ્સના ધંધાર્થીઓને આ માટે ઇન્કવાયરી ચાલુ જ છે. – વિહાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ.
ઇન્ટરનેશન ડેસ્ટિનેશન
જામનગરમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર મોટો છે, આથી અહીંના ધંધાર્થીઓ પૈસેટકે સુખી પણ ખરા. એટલું જ નહીં ફરવાનો શોધ ધરાવતા હોવાથી સમાયંતરે દેશની બહાર પણ ફરવાનો લાભ લઇ રહ્યાં છે. હાલ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં દુબઇ, સિંગાપુર, મલેસિયા, થાઇલેન્ડ અને યુરોપ સુધીની ટ્રીપનું બૂકિંગ કરાવી રહ્યાં છે.
ડોમેસ્ટિક ડેસ્ટિનેશન
ટ્રાવેલ્સના ધંધાર્થીના જણાવ્યા પ્રમાણે ડોમેસ્ટિક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન માટે ઇન્કવાયરી સૌથી વધું આવી રહી છે. હિમાચલ, ગોવા, કાશ્મીર, સિક્કીમ, કેરેલા, લેહ લદ્દાખ જેવા જાણીતા પ્રવાસન સ્થળો માટે જામનગરના લોકો વધુ ઇન્કવાયરી કરી રહ્યાં છે.
ગુજરાતમાં ક્યા સ્થળો માટે પુછપરછ ?
તો કેટલાક જામનગરવાસીઓ ગુજરાતના પ્રવાસન સ્થળો માટે પણ રસ દાખવી રહ્યાં છે, આ માટે સ્થાનિક કેબ બૂકિંગનો લાભ લઇને નજીકના સ્થળોએ ફરવા નીકળી પડ્યાં છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ માટે સૌથી વધુ ઇન્કવાયરી આવી રહી છે. સીએનજી વાહનો આવી જતાં ડિઝન વાહનની ડિમાન્ડ ઘટી રહી છે. સીએનજીને કારણે લોકોને થોડું સસ્તું પણ પડી રહ્યું છે.
જાણીતી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ડોલ્ફિનના સંચાલકોનું કહેવું છે કે ગુજરાતી લોકોની મુખ્ય ડિમાન્ડ ગુજરાતી ભોજનની હોય છે. આથી અમે ટૂરની સાથે મેનેજર, ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરી આપીએ છીએ. હાલ લગ્ન સીઝન અને વેકેશન હોવાથી મોટી સંખ્યામાં લોકો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીઓનો સંપર્ક કરી રહ્યાં છે. – દિપક સોલંકી, ડોલ્ફીન ટ્રાવેલ્સ.