જી.જી. હોસ્પિટલમાં ઓપીડી સેવાને અસર: સિનિયર ડોકટરોએ મોરચો સંભાળ્યો

જી.જી. હોસ્પિટલમાં પીજીના ડીગ્રી ધરાવતા બોન્ડેડ વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણી સરકાર દ્વારા ન સ્વીકારાતા તબીબ વિદ્યાર્થીઓએ દેખાવ પ્રદર્શન કર્યા બાદ હડતાળ ઉપર ઉતરી ધરણા પ્રદર્શન કર્યુ હતું. જેને લઇને જી.જી. હોસ્પિટલની ઓપીડીમાં સિનિયર ડોકટરોએ મોરચો સંભાળ્યો હતો. જુનિયર રેસીડેન્ટ ડોકટર એસોસીએશને એવી ચિમકી આપી છે કે, જો સરકાર તાકીદે નિર્ણય નહીં કરે તો ઇમરજન્સી સેવામાં પણ નહીં જોડાઇ.

મેડીકલ કોલેજના પટાંગણમાં તાજેતરમાં જ ઉર્તિણ થયેલા પીજીના મેડીકલ ડીગ્રી અને ડીપ્લોમાના વિદ્યાર્થીઓએ પોતાની વ્યાજબી માંગણીઓને લઇને ધરણા પ્રદર્શન કરેલ હતું. જુનિયર રેસીડેન્ટ ડોકટર એસોસીએશન દ્વારા ડીનને આવેદનપત્ર આપી એવી રજૂઆત કરી હતી કે બોન્ડેડ સર્વિસનો સમયગાળો 1:2 મુજબ આપવામાં આવે આ ઉપરાંત બીજા તબીબ અધિકારીઓની માફક જ સાતમાં પગારપંચ મુજબ વેતન ચૂકવવામાં આવે, કોવીડ વોર્ડમાં સેવા કરે તો બોન્ડનો સમયગાળો બમણુ કરવાનું કહી નિમણુંક કરવામાં આવી હતી.

આમ ડોકટરોને બન્ને તરફથી માર પડયો છે. અને શૈક્ષણિક લાયકાત મુજબ નિમણુંક આપવામાં આવે અને ગુજરાતમાં અન્ય રાજ્યોની માફક અમલવારી કરવામાં આવે આ મુદ્દે જી.જી. હોસ્પિટલમાં કલાસ-1 બોન્ડેડ ડોકટરો અને રેસીડેન્ટ ડોકટરો લગભગ 200થી 225 જેટલા હડતાલ ઉપર જતાં જી.જી. હોસ્પિટલની ઓપીડી સેવાને અસર પહોંચી હતી.

જેથી સીનીયર ડોકટરોએ ઓપીડી હોસ્પિટલમાં મોરચો સંભાળ્યો હતો. હડતાળ ઉપર ગયેલા ડોકટરોએ એવું અલ્ટીમેટમ સરકારને આપ્યુ છે કે, જો તાકીદે સરકાર કોઇ નિર્ણય નહીં લે તો ઇમરજન્સી સેવા પણ ખોરવાશે. હજુ ફરજ બજાવતા ડોકટરો પણ સંદતર હડતાળ ઉપર જશે અને જેને લીધે ઇમરજન્સી સેવા પણ ઠપ્પ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.