સુરત-અમદાવાદ બાદ ત્રીજા ક્રમે આવતા ધારાસભ્યોના પ્રયાસો રંગ લાવ્યા
તાજેતરમાં રાજ્યમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ ઓનલાઈન સર્વેમાં જામનગરને 65,417 મત મળતા આ યાદીમાં સુરત અને અમદાવાદ પછી ત્રીજા ક્રમનાં સૌથી વધુ મત જામનગરને મળતા શહેરનાં આધુનિકરણ અને સ્માર્ટ સીટી બનવાની સંભાવનાઓ પ્રબળ બની છે.
ઓનલાઈન સર્વેમાં સુરત શહેર 2,91,298 મત સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું જ્યારે 67,147 મત મેળવી અમદાવાદ શહેર દ્વીતીય ક્રમે રહ્યું હતું. એટલેકે સર્વેમાં એકમાત્ર સુરતને જ લાખોની સંખ્યામાં મત મળ્યા છે. અન્ય શહેરોનાં નગરજનો આ બાબતે ઉદાસીન જોવા મળ્યા હોય એવું ચિત્ર ઉપસ્યું છે.
ઉલ્લેખનીય છે કે સર્વેમાં જામનગરને 50 હજાર મત મળે એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પરંતુ, સર્વે આરંભ થયાનાં એક મહિના સુધી માત્ર 16 હજાર જ મત મળ્યા હતા અને જામનગર અન્ય શહેરોથી પાછળ રહી જશે એવી આશંકા ઉદભવી હતી.
ત્યાર પછી શહેરનાં બંને ધારાસભ્યો રિવાબા જાડેજા તથા દિવ્યેશભાઇ અકબરીએ રસ્તા પર ઉતરી જનસંપર્ક સાધી જાગૃતિ ફેલાવી હતી. ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા સેલ્ફી પોઇન્ટ વગેરે બનાવી નાગરિકોને સર્વેમાં મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. પરીણામે સર્વેનાં છેલ્લા 11 દિવસમાં જ 49 હજારથી વધુ નાગરિકોએ સર્વેમાં ભાગ લેતા જામનગરને મળેલ મતનો કુલ આંક 65 હજારને પાર થઇ જતા શહેર વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોને પણ પાછળ છોડી ત્રીજા ક્રમે રહ્યું છે.