ગુજરાત રાજય શિક્ષણ અને નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાતના સંયુકત ઉપક્રમે તા. 28 જાન્યુઆરી થી 28 ફેબ્રુઆરી 2019 દરમિયાન ગુજરાતમાં કુલ 23 અલગ-અલગ સ્થળોએ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે.
આ માટેના 5 ઝોન પૈકી, ઝોન 5ના નોડ 4 મુજબ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સરકારી પોલીટેકનીક જામનગર ખાતે 8 અને 9 ફેબ્રુઆરી 2019ના રોજ કોલેજના ફાયનલ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ કેમ્પ 2019નું આયોજન શહેરના ધનવંતરી ઓડીટોરીયમ ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવેલ હતી.
ગુજરાતના યુવાનોને રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકાર કાર્યશીલ છે તેમ જણાવતા કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ઉમેર્યું કે, હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્લાકિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં યુવાનોને રોજગારી મળી રહે તે માટે વિવિધ કંપનીઓને ગુજરાતમાં વ્યવસાય માટે આવકારીને તેના માધ્યમથી ગુજરાતના યુવાધનને રોજગારી પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેના પ્રયાશો હાથ ધર્યા હતા.
જેના ભાગરૂપે આજે આ મેગા પ્લેસમેન્ટનું આયોજન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાહબરીમાં સતત આ પ્રકારના રોજગારલક્ષી કાર્યક્રમો ગુજરાતમાં થઇ રહ્યાં છે અને તેમના મીઠા ફળો ગુજરાતના યુવાધનને મળી રહ્યાં છે.