વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનીક સર્ક્યુલેશન કારણે સૌરાષ્ટ્ર સહીત સમગ્ર ગુજરાતમાં કમૌસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે જામનગરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે, પરંતુ આજે પણ પડેલા ધોધમાર વરસાદના કારણે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં પણ વરસાદ વિલન બનશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
ગુજરાત ગૌરવ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને ઊભા કરાયેલા મંડપ- સ્ટેજ- લાઈટીંગ ના ટાવર વગેરેને રાતોરાત તાડપત્રી થી ઢાંકી દેવાયા છે, અને સુરક્ષિત બનાવી લેવાયા છે. આ ઉપરાંત સ્ટેજ તેમજ ખુરશી ની વ્યવસ્થા, ઈલેક્ટ્રીક વાયરીંગના બોક્સ વગેરે પર તાડપત્રી વગેરે ઢાંકીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
સમગ્ર રાત્રિભર તંત્ર દ્વારા કવાયત કરી લેવામાં આવી હોવાથી ઇલેક્ટ્રીક ઉપકરણો વગેરે અથવા તો સાઉન્ડ સિસ્ટમ પલળતા બચી ગયા છે.પરંતુ ગ્રાઉન્ડ પરિસરમાં પાણી ભરાયા હોવાથી તંત્રને કવાયત પડી રહી છે, અને શ્રમિકોને કામે લગાવીને ઠેર ઠેર ભરાયેલા પાણીના ખાબોચિયા કે જેને ખાલી કરવામાં આવી રહ્યા છે, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળ અને બેઠક વ્યવસ્થા વગેરે જગ્યાએ વહીવટી તંત્ર દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરી લેવામાં આવ્યું છે.
સત્ય સાયન્સ સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનના સ્થળે પાણી ભરાતાં ભારે કવાયત
ગુજરાત ગુઅરવ દિવસ નિમિતે જામનગરની સત્ય સાયન્સ સ્કૂલ ના રમત ગમતના મેદાનમાં શસ્ત્ર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે, અને તેના માટેનો મોટો ડોમ ઉભો કરી અંદર તમામ શસ્ત્રો ની ગોઠવણી કરી લેવામાં આવી હતી. પરંતુ આજે સવારે પડેલા વરસાદના કારણે ભારે દોડધામ થઈ છે. ગ્રાઉન્ડની મધ્યમાં શસ્ત્ર પ્રદર્શન માટેનો મોટો ડોમ ઉભો કરાયો છે, જેની ફરતે પાણી ભરાયા છે. ઉપરાંત ચીકણી માટી હોવાના કારણે પણ લપસી જવાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
જેથી તંત્ર ઊંધા માથે થયું છે, અને ગ્રાઉન્ડમાંથી પાણી કઢાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરીને શસ્ત્ર પ્રદર્શન મા લોકો પ્રવેશ કરી શકે, તે અંગેની વ્યવસ્થા કરવા માટે રેતી વગેરે પાથરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.