મહામારીને કારણે મેડિકલ વસ્તુના પાર્સલની નિકાસમાં 50 ટકાનો વધારો નોંધાયો
કોરોના મહામારીમાં લોકડાઉન તેમજ અન્ય કારણોસર ધંધા રોજગારને નુકસાનીથી સરકારના અનેક વિભાગને આર્થિક ફટકો પડ્યો છે. જેમાં જામનગર રેલવે વિભાગ પણ બાકાત રહ્યું નથી. જામનગર સ્ટેશનેથી ટ્રેનમાં જતાં પાર્સલની નિકાસમાં ઘટાડો થતાં વર્ષ 2019-20ની સરખામણીમાં વર્ષ 2020-21માં રેલવેની પાર્સલ સેવાની આવકમાં કુલ રૂ. 6,43,364નો ઘટાડો નોંધાયો છે.ગત વર્ષે કોરોના મહામારીની એન્ટ્રી બાદ લોકડાઉન તેમજ અન્ય કારણોસર તમામ ધંધા-રોજગારને માઠી અસર થઇ છે.જેના કારણે જામનગરથી જતા રેલવેની પાર્સલ સેવામાં નોંધપાત્ર ધટાડો થયો છે.
વર્ષ 2019-20માં જામનગર રેલવે સ્ટેશન પરથી બ્રાસના 20 ટકા અને માછલીના 60 ટકા પાર્સલની નિકાસ થતી હતી. જ્યારે વર્ષ 2020-21માં કોરોના મહામારી તથા લોકડાઉન ના કારણે ધંધા-રોજગારને આર્થિક નુકસાન થતા રેલવેની પાર્સલ સેવાના ફટકો પડયો છે. આ કારણોસર વર્ષ 2020- 21માં બ્રાસના નિકાસમાં 5 ટકા, માછલીના પાર્સલની નિકાસમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે મહામારીના કારણે મેડિકલ વસ્તુની માંગ વધતા આ ચીજ વસ્તુના પાર્સલની નિકાસમાં 50 ટકાનો વધારો નોંધાયો છે. તદઉપરાંત જનરલ ગુડસ જેવા કે ફળ,મસાલા વગેરે જેવી ચીજવસ્તુઓની નિકાસ આ 5 ટકા વધારો નોંધાયો છે. લોકડાઉનમાં 3 માલવાહક ટ્રેન ચાલુ રહી હતી લોકડાઉનના સમયમાં માત્ર ત્રણ માલવાહક ટ્રેન ચાલુ હતી. જેમાં પોરબંદર – શાલીમાર મંગળ, ગુરૂ અને શનિ, ઓખા- ગોહાટી બુધ અને રવિ અને ઓખા-બાંદ્રા ટ્રેન દરરોજ દોડી હતી.