- 750 થી વધુ પોલીસ- હોમગાર્ડના જવાનો તૈનાત
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 1 અને 2,3 દરમિયાન જામનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાનો સંદેશો પ્રાપ્ત થયો છે, અને તેઓનું કદાચ 1લી તારીખે રાત્રિના જામનગરના સર્કિટ હાઉસમાં રોકાણ થનાર છે, ત્યારે તંત્ર તૈયારીમાં જોડાયું છે, અને ૭૫૦ થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો તહેનાત માં મુકવામાં આવી રહ્યા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ આગામી 1 તારીખ અને ૨જી માર્ચે જામનગર જિલ્લાના મહેમાન બને અને રિલાયન્સમાં વનતારા ની મુલાકાત લેશે, તેમ જાણવા મળી રહ્યું છે. જેઓની જામનગર જિલ્લાની મુલાકાત દરમિયાન ૧લી તારીખે વડાપ્રધાન હવાઈ માર્ગે સીધા જામનગરના એરપોર્ટના હવાઈ મથકે આવી પહોંચે, અને ત્યારબાદ તેઓ જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરે, તેવી સંભાવનાઓ છે.
જો કે હજુ સુધી સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત સત્તાવાર રીતે થઈ નથી, પરંતુ સંભવિત જાહેરાતને લઈને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની રાહબર હેઠળ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જામનગરના એરપોર્ટ થી છેક લાલ બંગલા- સર્કિટ હાઉસ સુધી કોરીડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે, અને તેઓ મોટર માર્ગે એરપોર્ટ થી જામનગર ના લાલ બંગલા સુધી આવીપહોંચે, તે માટેની તંત્ર તૈયારી કરી રહ્યું છે.
પી.એમ.ના રૂટને ધ્યાનમાં રાખીને સમગ્ર માર્ગ ઉપર બેરીકેટિંગ વગેરે શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની આગેવાનીમાં 750થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો સહિતના પોલીસ કાફલાની બંદોબસ્તની સ્કીમ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર કચેરીનું સમગ્ર તંત્ર કામે લાગ્યું છે, તેમજ જામનગર મહાનગરપાલિકાની ટીમ પણ તૈયારીમાં જોડાઈ છે.
અહેવાલ: સાગર સંઘાણી