જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી સેવા સદન ખાતે યોજાઇ હતી. જેમાં ભાજપ પ્રેરીત જુથના પી.એસ. જાડેજા અને વાઇસ ચેરમેન તરીકે રાજુભાઇ વાદી અને એમ.ડી. તરીકે લુણાભા ચુંટાયેલા જાહેર કરાયા હતાં.સેવા સદન ખાતે જામનગર જિલ્લા સહકારી બેંકની ચેરમેન, વાઇસ ચેરમેન અને એમ.ડી.ની ચુંટણી યોજાઇ હતી.
આ ચુંટણી પૂર્વે ભાજપ અને કોંગ્રેસ પ્રેરીત જુથના કુલ 16 મતમાંથી 10 મત ભાજપ પ્રેરીત જૂથે અંકે કરી લીધા હોવાથી તત્કાલિન જૂથના સભ્યોએ ઉમેદવારી નોંધાવવાનું માંડી વાળ્યું હતું અને બેંકના ચેરમેન પદે પી.એસ. જાડેજા વિજેતા બન્યા હતાં. પી.એસ. જાડેજા ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંકના ડાયરેકટર તરીકે પણ સેવા આપી ચૂકયા છે. વાઇસ ચેરમેન તરીકે રાજુભાઇ વાદી પણ બિન હરિફ ચુંટાયેલા જાહેર કરાયા હતાં. જ્યારે બેંકના એમ.ડી. તરીકે લુણાભાને જાહેર કરાયા હતાં. જ્યારે એપેકસ બેંકના ડાયરેક્ટર તરીકે મુળુભાઇ બેરાના નામની જાહેરાત કરાઇ હતી.
જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકની ચુંટણી જાન્યુઆરી 2021માં યોજાઇ હતી. જેમાં અમુક વિભાગોની બેઠકો બીનહરીફ જાહેર થઇ હતી. લાંબા સમયથી બેંકના હોદેદારોની નિમણુંક માટે ચુંટણી યોજવાની બાકી હોય જે અંગે જામનગર શહેર પ્રાંત અધિકારી દ્વારા તાજેતરમાં સેવા સદન ખાતે ચેરમેન, વાઇસ ચેરમેનના પદ માટે ચુંટણી યોજાઇ હતી. જિલ્લા સહકારી બેંકના હોદેદારોની ચુંટણી માટેની બોર્ડ ઓફ ડીરેકટરર્સની બેઠક પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગરના અધ્યક્ષ સ્થાને મહેસુલ સેવાસદન ખાતે આજે બપોરે 12 વાગ્યે યોજવામાં આવી હતી. આ બેઠક પૂર્વે જ કોંગ્રેસ પ્રેરીત સત્તાધારી પેનલની હાર નિશ્ર્ચિત બની ગઇ હતી કેમ કે, તેમના જૂથના એક ડાયરેકટર રાજેશભાઇ વાદી વિરોધી જૂથમાં (ભાજપ પ્રેરીત) સામેલ થઇ ગયા હતા અને તેમના બદલામાં તેઓને વાઇસ ચેરમેન પદ આપવામાં આવ્યું છે. આથી ભાજપ પ્રેરીત જૂથ સત્તા મેળવવામાં સફળ થયું હતું.