આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ દ્વારા વિવિઘ સ્થળો પર ટીમો બનાવી વોચ ગોઠવવામાં આવી હતી. જે અનુસંધાને ખંભાળિયા-ભાણવડ રોડ પર એક ટ્રકની તલાસી લેતા તેમાંથી 20,124 નંગ દારૂની બોટલો મળી આવી હતી. આટલી મોટી માત્રામાં દારૂ જોઇ પોલીસ પણ એક સમયે ચોંકી ગઇ હતી. પોલીસે કુલ એક 1,02,99,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગતો જાણે એમ છેકે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વિધાનસભાની ચૂંટણી અનુસંધાને દારૂ-જુગારની બદી નાબુદ કરવા સૂચના આપવામાં આવી હતી, જે સબબ ખંભાળિયા પોલીસ મથક દ્વારા વિવિધ સ્થળો પર અલગ-અલગ ટીમો બનાવીને વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે ગુરુવારે વહેલી સવારે ખંભાળિયા-ભાણવડ રોડ પર સ્થિત ગુંદમોરા પ્રાથમિક શાળા પાસેથી HR-61C-4679 ટ્રક પસાર થઇ રહ્યો હતો. પોલીસે ટ્રકને રોકીને તલાશી હાથ ધરી હતી.
તલાશી કરતા ટ્રકમાંથી જૂદી-જૂદી બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો તથા ચપટા મળી કુલ 20,124 નંગ દારૂનો જથ્થો અંદાજિત કિંમત 72,97,200 રૂપિયા તથા ટ્રકની અંદાજિત કિંમત 30 લાખ તથા ત્રણ નંગ મોબાઇલ(1500 રૂ.) અને રોકડ રકમ રૂ.100 મળી કુલ 1,02,99,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છેકે જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ રેકોર્ડ બ્રેક દારૂ ઝડપાયો છે. એક સમયે પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને બોટલો ગણી-ગણી થાકી ગયા હતા.
આ ઘટનામાં પોલીસ ટ્રક ડ્રાઇવર, ક્લિનર(બન્ને હરિયાણાના રહેવાસી) તથા માલની ડિલિવરી લેવા માટે જનાર નાથાભાઇ કોડિયાતરની ધરપકડ કરી છે અને આ માલ ક્યાં ઉતારવાનો હતો અને કોણે મંગાવ્યો હતો એ દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી આગળ ધપાવી છે.