મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતા વેક્સિનેશ નના કાર્યક્રમમાં દરરોજ ફક્ત 2 હજાર જેટલા જ ડોઝ 10 સેન્ટરો ઉપર આવતા દરરોજ ભારે અફડા તફડીનો માહોલ સર્જાઈ છે. ફક્ત બે કલાકમાં જ દરેક સેન્ટરમાં ડોઝ ખલાસ થઈ જાય છે.
સજુબા સ્કૂલમાં વેકિસનની અછતથી બબાલ સર્જાતા પોલીસ બોલાવવી પડી
ગઈકાલે આ બાબતે જ સજુબા સ્કૂલમાં બબાલ સર્જાતા પોલીસને બોલાવવી પડી હતી. તંત્રએ હવે ડોઝ વધારવાની જરૂર છે.શહેરમાં કોરોનાની વેક્સિન માટે લોકોમાં ભારે જાગૃતતા આવી છે તો હવે મહાનગરપાલિકા પાણીમાં બેસી ગયું છે. કોરોનાની રસીની અછતથી શહેરમાં દરરોજ આરોગ્ય કેન્દ્રો પર માથાકૂટોના દૃશ્યો સર્જાઈ છે. ગઈકાલે આવી જ બબાલ સજુબા સ્કૂલ ખાતે થઈ હતી જ્યાં માત્ર 200 ડોઝની સામે 4 હજાર જેટલા લોકો ભેગા થઈ જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને લોકો રોષે ભરાતા હાજર કર્મચારીઓ દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
જેમણે લોકોને સમજાવીને શાંત પાડ્યા હતા. દરેક આરોગ્ય કેન્દ્ર પર માત્ર 200 ડોઝ આપવામાં આવે છે જે શરૂઆતના બે કલાકમાં જ પુરા થઈ જાય છે જે પછી લોકોને ધક્કા થાય છે. મહાનગર પાલિકા દ્વારા ડોઝ વધારે આવે તેવું આયોજન થાય તે અત્યંત જરૂરી છે. કારણ કે, 2 હજાર ડોઝની સામે રોજ અંદાજિત 10 હજાર જેટલા લોકો ડોઝ લેવા પહોંચી રહ્યા છે. આ અંગે આરોગ્ય અધિકારી ડો.ગોરી જણાવે છે કે, દરરોજ અમે 2 હજાર ડોઝ આવે તે રીતે આયોજન અત્યારે કરી રહ્યા છીએ જે પ્રમાણે ડોઝ આવે તે પ્રમાણે વિતરણ કરી રહ્યા છીએ બાકી ડોઝ વધારવા તે અમારા હાથની વાત નથી.