સિકકા રિસામણે આવેલી પરિણીતાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું તુ: પાંચ સામે નોંધાયો ગુનો
જામનગરના સિકકા ખાતે રહેતી પરિણીતાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની પોલીસમાં તેણી દ્વારા ફરિયાદ કરાતા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો ન હતો. જેથી તેને કોર્ટમાં અરજી કરતા કોર્ટ દ્વારા ગુનો નોંધવાનો આદેશ અપાતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ ની વિગત એવી છે કે સિક્કા ગામમાં રહેતી એક યુવતી કે જે છેલ્લા કેટલાક સમયથી પોતાના પતિ સાથે અણ બનાવ થતાં માવતરે સિક્કા આવીને રિસામણે બેઠી હતી, દરમિયાન જામનગરના વતની એવા ચાંપરાજ ભીખા હાજાણી દ્વારા અન્ય સાગરીતોની મદદથી રિસામણે બેઠેલી યુવતી નું 15 જાન્યુઆરી ના રોજ અપહરણ કરાયું હતું, અને તેણીને એક વાડીમાં ગોંધી રાખી તેણીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર પછી યુવતીના મૈત્રી કરાર અંગેના રજીસ્ટ્રાર કચેરી માં કરારના કાગળો માં યુવતી ના અંગુઠા મરાવી લીધા હતા, અને લગ્નની નોંધણીના કાગળો સાથે સિક્કા પોલીસ મથકમાં હાજર થયા હતા.
યુવતીના પિતા દ્વારા ગુમ નોંધ કરાવી હોવાથી સિક્કા પોલીસ સમક્ષ બંનેએ લગ્ન કરી લીધા હોવાનું જણાવીને તે અંગેના દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે માત્ર અરજી લઈને તપાસ ચલાવી હતી, પરંતુ દુષ્કર્મ અંગેનો ગુનો દાખલ કર્યો ન હતો. અને યુવતી ને તેના માતા-પિતાના ઘેર જવા દેવામાં આવી હતી.
દરમિયાન ભોગ બનનાર યુવતીએ જામનગરની અદાલતનું શરણ લીધું હતું, અને સિક્કા પોલીસે પોતાની દુષ્કર્મની ફરિયાદ નોંધી નથી, તેવી વકીલ મારફતે રજૂઆત કરી હતી. જે અરજીના અનુસંધાને અદાલતે જામનગરના જિલ્લા પોલીસવડાને દુષ્કર્મ ગુજારવા અંગે ની ફરિયાદ નોંધવા તેમજ જે તે જવાબદાર પોલીસ કર્મચારી અંગેનો જરૂરી ખુલાસો મેળવવા આદેશ કર્યો હતો.
જે આદેશના અનુસંધાને તાજેતરમાં સિક્કા પોલીસ મથકમાં યુવતીની દુષ્કર્મ અંગેની ફરિયાદ લેવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી તરીકે જામનગરમાં રહેતા ચાંપરાજ ભીખા હાજાણી નામના 30 વર્ષના શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, આ ઉપરાંત આ કાર્યમાં મદદગારી કરવા અંગે તેના ભાઈ બુધાભાઈ હાજાણી, ઉપરાંત અન્ય પિતરાઈ ભાઈ સહિતના સાગરીતો જયદેવ હાજાણી, નાગસુર હાજાણી, મારગુન હાજાણી અને દેવાત હાજાણી ના નામો અપાયા હતા.
આ પ્રકરણની આગળની તપાસ મેઘપર- પડાણા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવી હતી, જેની તપાસના અનુસંધાને મેઘપર પોલીસે મુખ્ય સૂત્રધાર આરોપી ચાંપરાજ ભીખા હાજાણીને તેમજ મદદગારી કરનાર તેના ભાઈ બુદ્ધા ભીખા હાજાણી ની ધરપકડ કરી લેવામાં આવી હતી, જે બંનેને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.