જામનગર સમાચાર
જામનગર : પોલીસે ફિલ્મી ઢબે તસ્કરને ઝડપી પાડ્યો
જામનગર શહેરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી એક કારની ચોરી કરીને નાસી રહેલા એક તસ્કરને ધ્રોલ પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી ઝડપી લીધો હતો. જે કાર્યવાહી દરમિયાન ધ્રોલના પીએસઆઇ ને હાથમાં આવી ઇજા થઈ છે. કારની ચોરી કરનાર તસ્કરને ઝડપી લઇ ફરીથી જામનગર પોલીસને સુપ્રત કરી દેવાયો છે.
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી ૧૧.૦૦ વાગ્યાના અરસામાં એક તસ્કર જી.જે.૧૦ ડી.આર.૯૯૧૨ નંબરની સ્વીફ્ટ ડિઝાયર કારની ચોરી કરીને ભાગ્યો હતો.જેની જાણકારી થવાથી સિટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે કારચાલકનો પીછો કર્યો હતો. પરંતુ કાર ચાલક જામનગર શહેર થી રાજકોટ રોડ તરફ ભાગી જવામાં સફળ થયો હતો.
જેથી સીટી સી. ડિવિઝન પોલીસે ધ્રોલ ના પી.એસ.આઇ.પી.જી. પનારા નો સંપર્ક કર્યો હતો, અને ધ્રોલ પોલીસ દ્વારા તાત્કાલીક અસરથી નાકાબંધી કરવામાં આવી હતી.જે દરમિયાન વાહન ચોર ગાંધી ચોકમાં પહોંચ્યો હતો. જેની જાણકારી મળી જતાં ધ્રોળના પી.એસ.આઇ. તેમજ અન્ય સ્ટાફ વગેરેએ કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કાર ચોરી કરનાર તસ્કર ત્યાંથી એક મોટરસાયકલ અને એક રીક્ષા ચાલકને ઠોકર મારીને ભાગ્યો હતો.
જેથી ધ્રોલ પોલીસની ટીમેં જીપમાં તેનો પીછો કર્યો હતો, અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દોઢ કી.મી.ની ધમાચકડી પછી આખરે ધ્રોલ પોલીસે સરકારી બોલેરો જીપ કે જે ચોરાઉ કારને આડે નાખીને કાર ચાલકને ઝડપી લીધો હતો.
પોલીસે કારચાલકનું નામ પૂછતાં તેને પોતાનું નામ અરનાંકેલમ અને પોતે તેલંગાણા નો વતની હોવાનું જણાવ્યું હતું. જે પૂરી ભાષા પણ જાણતો ન હતો.
દરમ્યાન સીટી સી. ડિવિઝન પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ધ્રોળ પહોંચી ગયો હતો, અને કારચાલકને ઝડપી લઇ કાર સાથે તેને જામનગર લઈ આવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સમગ્ર દોડધામ દરમિયાન ધ્રોળના પી.એસ.આઇ પી.જી. પનારા ને જમણા હાથમાં ઇજા થઈ હોવાથી તેઓને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.