નગરસીમ વિસ્તારમાં આવેલી પીજીવીસીએલની વીજ કચેરીએ ગઈકાલે અનેક કારખાનેદારો અને શ્રમિકોએ વીજ ધાંધિયાથી ત્રસ્ત બનીને વીજ કચેરીને તાળાબંધી કરી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું છે. લાંબા સમયથી વીજ વિક્ષેપના કારણે અનેક કારખાનેદારો અને તેના શ્રમિકો પ્રભાવિત થતા હોવાથી આ વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેથી વીજ તંત્રમાં દોડધામ થઇ ગઇ છે. નગર સીમ વિસ્તારમાં આવેલી પીજીવીસીએલની વીજ કચેરીએ આસપાસ સ્થાનિક વિસ્તારના કારખાનેદારો અને શ્રમિકો એકત્ર થયા હતા, અને પોતાના વિસ્તારમાં વારંવાર વીજ ફોલ્ટ સર્જાતા હોવાથી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
પરંતુ ત્યાં કોઈ હાજર ન હોવાથી વીજ તંત્રની કચેરીને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક વિસ્તારના કારખાનેદારો કે જેને કનસુમરા વાળી લાઈનમાંથી વીજ પુરવઠો અપાય છે જે ઇન્ડસ્ટ્રીયલ એરીયાના 100 જેટલા કારખાનેદારો તેમજ તેમાં કામ કરી રહેલા 3000થી વધુ શ્રમિકોને છેલ્લા એક વર્ષથી થઈ રહેલા વીજ વિક્ષેપના કારણે ભારે હાલાકી વેઠવી પડે છે.તાજેતરમાં જ તોફાની વરસાદ પછી વીજ ફોલ્ટ સર્જાયો હતો, અને ચાર દિવસથી વીજ ધાંધિયા હતા. ગઈકાલે સાંજે વીજપુરવઠો શરૂ થયા પછી ફરીથી વીજપુરવઠો ખોરવાયો છે અને વારંવાર લાઈટ આવતી-જતી રહે છે.
સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા આ અગાઉ અનેક વખત રજુઆત કરવા છતાં પણ નગરસિમ વિસ્તારની વીજ કચેરીના સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારનું લક્ષ્ય અપાતું નથી, અને ઘોર બેદરકારી દાખવવામાં આવે છે. જેથી આ વિસ્તારમાં સતત વીજપુરવઠો ખોરવાયેલો જ રહે છે. જેનાથી ત્રસ્ત બની જઈ આ કાર્યવાહી કરી હોવાનું સ્થાનિક કારખાનેદારોએ જણાવ્યું હતું. વીજ કચેરીને તાળાબંધી ને લઈને વીજ વર્તુળમાં ભારે દોડધામ મચી ગઇ છે.