મોટા ઉપાડે શરૂ કરાયેલા વેક્સિનેશન અભિયાનનું સુરસુરીયુ
શહેરમાં શાસકો દ્વારા કાર્યક્રમો યોજી રસીકરણ મહાઅભિયાનને દિપ પ્રાગ્ટય સાથે શરૂ કરાયું હતું. આ રસીકરણ મહાઅભિયાનમાં વેકસીન નો જથ્થો ન આવતા કાર્યક્રમનું સુરસુરીયુ થઇ ગયું છે. શહેરમાં ગઇકાલે 30 કેન્દ્રોમાંથી માત્ર 7 કેન્દ્રો ઉપર જ વેકસીન આપવામાં આવ્યું હતું.
કોવેકસીનનો જથ્થો ખલાસ થઇ ગયો છે. અને માત્ર 10 કેન્દ્ર ઉપર કોવીડશીલ્ડ આપવાની જાહેરાત મોડી રાત્રે કરાઇ હતી. સરકાર દ્વારા એક તરફ વેપારીઓને, રેકડી ચાલકોને તેના સ્ટાફ સાથે વેકસીન લેવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે જેને પગલે વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઇ છે. એટલુ જ નહીં ત્રીજી લહેરની ભીતીને લઇને પણ લોકો વેકસીન લેવા તરફ જ્યારે કેન્દ્ર ઉપર જાય છે ત્યારે લોકોને ધરમનો ધક્કો થાય છે કારણ કે વેકસીન કેન્દ્ર ઉપર વેકસીન આપવાનું બંધ થઇ ગયાનું જાણવા મળે છે. સરકાર દ્વારા કોરોનાની પ્રતિરોધક વેકસીનનો જથ્થો પણ પુરતો ન ફાળવી શકાતા શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઇ છે.
મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ વેકસીના મુદે મૌન ધારણ કરી લીધુ છે. ઠેર ઠેર વિનામુલ્યે કોરોના પ્રતિરોધક વેકસીન આપવાના હોર્ડીંગો જોવા મળે છે પરંતુ આ વેકસીન કેન્દ્રો ઉપરથી વેકસીન ન મળતા સરકારની જાહેરાત પોકળ સાબીત થઇ રહી છે. શહેરી વિસ્તારમાં 18થી 44 વર્ષના યુવા વર્ગને હજુ પુરતા પ્રમાણમાં વેકસીન આપી ચૂકાઇ નથી. જ્યારે બીજો ડોઝ કયારે મળશે તે પણ એક સવાલ છે. શહેરમાં અનેક કેન્દ્રો ઉપર વેકસીન આપવામાં આવશે તેવી જાહેરાત કર્યા પછી એન.જી.ઓ. અને રાજકીય પક્ષના વેકસીનેશનના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તે કાર્યક્રમો રાબેતા મુજબના આરોગ્ય કેન્દ્ર ઉપરના રસીકરણના ભોગે યોજાઇ રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાય છે.
વેક્સિનની અછત સર્જાતા કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનરને આવેદન
શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વેક્સિનની અછત સર્જાતા વેક્સિનેશન કેન્દ્ર પર લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ સ્પોટ વેક્સિનેશનનો પ્રારંભ કરાયો છે તો બીજી તરફ વેક્સિનેશન કેંદ્રો પર પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ ના હોય લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.
શહેરમાં હાલ મનપાના 12 આરોગ્ય કેંદ્રો અને 15 થી 18 જેટલા અન્ય સ્થળો પર વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે, એક તરફ સરકારી કેંદ્રો પર પૂરતા પ્રમાણમાં વેક્સિન મળી નથી રહી તો બીજી તરફ ખાનગી સંસ્થાઓને જથ્થો ફાળવી દેવામા આવી રહ્યો છે.