રણજીતસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા સાધના કોલોનીના આવાસો આજે ભયજનક ઇમારતની જેમ ઉભા છે. આ આવાસમાં અનેક લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. ભૂકંપ પછી વધુ જર્જરીત અને ભયજનક થયેલા આવાસોમાં કોઇ મોટી દુઘર્ટના કે અકસ્માત સર્જાય તે પહેલા જ ગુજરાત હાઉસીંગ બોર્ડનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે તેવું સાધના કોલોનીના રહેવાસીઓ ઇચ્છી રહ્યા છે.
ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા અંદાજે 25 વર્ષ પહેલા સાધના કોલોનીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સાધના કોલોનીની વસાહતમાં અનેક ગરીબ અને મધ્યમવર્ગના લોકોએ ઘરનું ઘર સ્વપ્ન પુરૂ થયું હતું. હાલમાં આ સાધના કોલોનીની વસાહતમાં અનેક આવાસો ખુબ જ જર્જરીત હાલતમાં ઉભા છે. આ આવાસ 2001ના ભૂકંપમાં પણ વધુ ભયજનક થયા હતાં. અનેક બ્લોકની અગાસીની દિવાલો ધરાશય થઇ હતી. તેમજ આ આવાસના બ્લોકની દિવાલોની પ્લાસ્ટરો પણ તુટી પડયા છે. એટલુ જ નહીં બ્લોકના સીડીની સલામતની દિવાલ પણ ભાંગીને ભૂક્કો થઇ ગઇ છે.
ભયજનક અને જર્જરીત ઇમારતોની વ્યાખ્યામાં સાધના કોલોનીના આવાસો મહાનગરપાલિકાનું તંત્ર પણ ન ગણતુ હોય તેવું લાગી રહ્યુ છે. અમદાવાદ જેવી દુઘર્ટના જામનગરની સાધના કોલોનીમાં ઘટે તેની તંત્ર રાહ જોતુ હોય તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે. મહત્વની વાત એ છે કે, ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા જામનગરની ઓફીસ બંધ કરી દેવાઇ છે. અને રાજકોટ ખાતે ખસેડી દેવાઇ છે. ત્યારબાદ સાધના કોલોનીના બ્લોકની મરામતનું કામ અભેરાયે ચડી ગયું છે.
સાધના કોલોનીમાં આ ભયજનક આવાસોમાં રહેતા પરિવારો ત્યાં સુધી કહે છે કે, આ આવાસોની અંદર જ ગમે ત્યારે દુઘર્ટનામાં અનેક નિર્દોષ નાગરીકો દટાઇને જીવ ગુમાવવાનો વખત આવે તેવી પુરી સંભાવનાઓ રહેલી છે. જે રીતે રાજકીય આગેવાનો ચુંટણી સમયે મતદારોના મતની ચિંતા કરતા હોય છે તે રીતે સાધના કોલોનીના રહેવાસીઓની ચિંતા કરવા આગળ આવે તે જરૂરી છે