Jamnagar: નવા પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટેની કામગીરી છેલ્લા 10-15 દિવસથી બંધ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડેટા એન્ટ્રીનું કામ બંધ હોવાથી લોકો પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું. આ સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, પ્રોપર્ટી કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેના વગર કોઈપણ કાનૂની કામગીરી કરવી મુશ્કેલ બની જાય છે. આ મુદ્દે એક વકીલ દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. વકીલની રજૂઆત બાદ ગાંધીનગરથી નિર્ણય લેવાયો હોવાનું કર્મચારીઓ જણાવે છે. પરંતુ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
લોકોને પ્રાંત કચેરીએ ધરમના ધક્કા ખાવા પડે છે. કચેરીના કર્મચારીઓનું કહેવું છે કે, ગાંધીનગરથી નિર્ણય આવ્યા બાદ જ આ સમસ્યાનું નિરાકરણ આવી શકશે. આ સમગ્ર મામલે જામનગરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે, આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ લાવવામાં આવે અને લોકોને પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે વધુ સમય ન ખર્ચવો પડે.
આ મુદ્દે અધિકારીએ જણાવ્યું કે, આ પ્રોબ્લેમ ગાંધીનગર લેવલનું છે. આ ખામી ત્યાંથી જ હોવાથી નવા પ્રોપર્ટી કાર્ડ માટેની એન્ટ્રી બંધ છે, જૂના સંબંધિત કામકાજ ચાલું છે. આ મામલે ગાંધીનગરથી ખામી હોવાનું કારણ આગળ ધરી અધિકારીઓએ છૂટકબારી કરી લીધી છે. જો કે, હવે જોવું એ રહ્યું કે, આ ખામી ક્યારે દૂર થાય છે.
આ અંગે લોકોએ જણાવ્યું કે, છેલ્લા પાંચ-દસ દિવસથી જામનગર કચેરી ખાતે નવા પ્રોપર્ટી કાર્ડ માટે એન્ટ્રી થતી નથી. જેને લઈ અમારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોન કરવા માટે તેમજ અન્ય કામકાજ માટે પ્રોપર્ટી કાર્ડ દસ્તાવેજ તરીકે ખુબ ઉપયોગી હોય ત્યારે જેના માટે અમે અટવાયા છીએ.
સાગર સંઘાણી