ધ્રોલ પંથકમાં કૌભાંડ આચરી રૂ. 8.79 લાખની કરી ઠગાઇ
જામનગરમાં ભારે ચર્ચા જગાવનાર જિલ્લા પંચાયતના ફાઇલ ચોરીના કેસ સંડોવાયેલા શખ્સે ધ્રોલ પંથકમાં પણ કૌભાંડ કર્યું હોવાની વધુ એક ફરિયાદ સામે આવી છે. જેમાં ભેજાબાજ શખ્સે બોગસ સહી કરાવી સબંધિત કચેરીને 8.79 લાખનો ધુમ્બો માર્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ધ્રોલ પોલીસે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ધ્રોલ પોલીસ મથકમાં કૌશલકુમાર ભીમજીભાઇ છૈયા એ આરોપી હરીસિંહ પી. ગોહીલ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે આરોપી હરીસિંહ પી. ગોહીલ, ઇલેકટ્રીશ્યન, ઇલેકટ્રીક શાખા પંચાયત વિભાગ જામનગરમાં પોતે રાજય સેવક હોય જે હોદાનો ફાયદો લઇ ધ્રોલ તાલુકાના ખેંગારકા, હમાપર, દેડકદડ તથા જાળીયા (માનસર) ગામ ખાતે એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટના કામો પણ ગોબાચારી આચરી હતી.તેમના દ્વારા આપવામા આવતુ કમ્પલીશન સર્ટીફીકેટ પર તેમની સહી બાદ ધ્રોલ નાયબ કાર્યપાલક ઇજનેર ધ્રોલની સહી કરવાની થતી હોય છે. જે સહીના બદલે આરોપીએ બનાવટી સિક્કા બનાવી લીધા હતા. જે સિક્કા લગાવી તેના પર સબંધિત અધિકારીની સહી કરી નંબર કે ફોરવર્ડીંગ લેટર વગર બારોબાર તાલુકા પંચાયત કચેરી ધ્રોલ ખાતે બનાવટી અને બોગસ દસ્તાવેજને ખરા તરીકે રજુ કર્યા હતા. બાદમાં બનાવટી કમ્પલીશન સર્ટીફીકેટના આધારે ધ્રોલ તાલુકા પંચાયત કચેરી દ્રારા આ કામોના બીલો મંજુર કરી ગ્રામ પંચાયતોને રૂ-8,79,832નુ ચુકવણૂ કરી દેવામાં આવ્યું હતું. આમ છેતરપીંડી કરતા મામલો પોલીસ મથકે પહોંચયો છે. જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી કલમ-465,466,467, 471,472,475 મુજબ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ મામલે ધ્રોલ પોલીસ મથકના પીએસઆઇ પી.જી.પનારા વધુ તપાસ ચલાવી રહી છે.