જામનગરની ભાગોળે આવેલી ઠેબા ચોકડી પાસે રવિવારે ક્ષત્રિય યુવાનની ગળું વાઢી કરપીણ હત્યા નિપજાવવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. સસ્પેન્ડેડ પોલીસકર્મી અને તેના ભાઈએ આ ઘટનાને અંજામ આપતાં પંચકોશી બી ડિવિઝન પોલીસની સાથે એલસીબી, એસઓજી પોલીસ પણ તપાસમાં જોતરાઈ છે અને હત્યા નીપજાવી નાસી ગયેલા આરોપીઓ સુધી પહોચવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ હત્યાનું કાવતરું રચી ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
બંને પક્ષે રેતીના ડમ્પરનો ધંધો હોવાથી ડ્રાઈવરોની અદલા-બદલીના મુદ્દે મનદુ:ખ થતાં લોહી રેડાયું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.રવિવારે સાંજે છ વાગ્યાના સુમારે જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા ગોકુલ વે બ્રિઝ પાસે પોતાનું એક્ટિવા પાર્ક કરી યુવરાજસિંહ જાડેજા તેના મિત્ર ગિરિરાજસિંહ જાડેજા. પ્રદીપસિંહ તેમજ વીરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા સાથે વાતચીત કરતા હતા. ત્યારે જ આરોપી એવા સસ્પેન્ડ પોલીસકર્મી ઈશ્વરસિંહ સતુભા જાડેજા કાર સાથે આવી પહોંચ્યો હતો. આરોપી ઇશ્વરસિંહ પોતાની જીજે 10 ડીએ 0056 નંબરની કાર યુવરાજસિંહ જે ખુરશીમાં બેઠા હતા એની સાથે અથડાવી હતી, જેને લઈને મૃતક યુવરાજસિંહ કાર નજીક ગયા હતા. પોતાની નજીક આવેલા યુવાનને જોઈ આરોપી ઇશ્વરસિંહે પોતાની ગાડીમા રહેલ છરી કાઢી યુવરાજસિંહના ગળાના ભાગે હુલાવી, ગળું વાઢી નાખી કરપીણ હત્યા નીપજાવી હતી.
આ બનાવને પગલે બંને મિત્રો સાથે રહેલા આરોપી વીરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજાએ પણ વચ્ચે આવી ગિરિરાજસિંહ તથા પ્રદીપસિંહ સાથે મારામારી ઝપાઝપી કરી હતી. જ્યારે વચ્ચે પડેલા પ્રદીપસિંહને આરોપી ઇશ્વરસિંહે જાનથી મારી નાખવો છે એમ કહી પોતાના હાથમાં રહેલી છરી વડે માથાના ભાગે પ્રહાર કરી પતાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને પ્રદીપ પોતે પોતાના હાથથી બચાવ કરી પાછળ હટી જતાં બચાવ થયો હતો. જયારે ગિરિરાજસિંહને પણ મારી નાખવા ઈરાદે છરીનો ઘા કર્યો હતો. જોકે ગિરિરાજસિંહે પોતાનો બચાવ કર્યો હતો, પરંતુ છરી જમણા હાથના કાંડામાં વાગી હતી. ત્યાર બાદ બંને આરોપીઓ કાર સાથે નાસી ગયા હતા. આ બનાવના પગલે એસપી દીપન ભદ્રન, ડીવાયએસપી કૃણાલ દેસાઈ, એલસીબી અને એસઓજી તેમજ પંચકોસી બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો. મૃતક હાલ જામનગરમાં ગ્રીનસિટી વિસ્તારમાં રહેતા હતા, તેઓ મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાતેલ ગામના હતા. એને લઇને રાજ્ય મંત્રી હકુભા જાડેજા સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.
બંને આરોપીઓ અને મૃતક રેતીના ડમ્પરનો ધંધો કરે છે. આ ધંધા દરમિયાન અવાર-નવાર એકબીજાના ડમ્પરના ડ્રાઇવરો અદલા-બદલી થતી હતી, જેને લઈને બંને તરફે લાંબા સમયથી રકઝક ચાલતી હતી. આ ઉપરાંત મૃતકના મિત્ર અને ઘટના સમયે હાજર પ્રદીપસિંહ સોઢાનું આરોપી ઇશ્વરસિંહ સતુભા જાડેજાના મહેતાજી જયપાલસિંહ બળવંતસિંહ ચૂડાસમાએ એકાદ વર્ષ પહેલાં પાકીટ લઇ લીધું હતું. આ બાબતે પ્રદીપસિંહએ ઠપકો આપી થપ્પડો મારી ગાળો આપી હતી. જે-તે સમયે વચ્ચે આવેલા ઈશ્વરસિંહ સામે પણ પ્રદીપસિંહે વાણીવિલાસ કર્યો હતો.
આ બાબતના મનદુ:ખને કારણે આરોપી ઈશ્વરસિંહ પ્રદીપસિંહના ઘરે જઈ મૃતક, પ્રદીપસિંહ તથા ગિરિરાજસિંહના ઘરે જઈ મારી નાખવાની ધમકી આપી હતી. આ ત્રણેય મિત્રો દરરોજ ઠેબા ચોકડી બેસતા હોવાની જાણ થતાં બંને આરોપી બંધુઓએ હત્યાનું કાવતરું રચ્યું હતું. એ મુજબ આરોપી ઈશ્વરસિંહે અગાઉથી જ તેના ભાઈને આરોપીઓ સાથે હાજર રખાવી દીધો હતો. ત્યાર બાદ તે કાર સાથે ઠેબા ચોકડી પહોચ્યો હતો અને બંને ભાઈઓએ વારદાતને અંજામ આપ્યો હતો.સસ્પેન્ડેડ પોલીસકર્મીએ યુવરાજસિંહનું ગળું વાઢી હત્યા નિપજાવ્યા બાદ પ્રદીપસિંહનું ગળું વાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસંજોગે આ યુવાને મોઢું ફેરવી લેતાં તેમનો આબાદ બચાવ થયો હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.