જામનગર: હાલમાં જ ગણેશોત્સવ પૂરો થયો છે અને હવે નવલી નવરાત્રીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. તાય્રે નવરાત્રીને હવે થોડા જ દિવસો બાકી રહેતા ખેલૈયાઓએ નવરાત્રીની તૈયારીઓ શરુ કરી દીધી છે. તેમાં પણ ખાસ વાત કરવામાં આવે તો મહિલાઓએ ખાસ નવરાત્રીને લઇ ચણીયાચોળી, શણગારની વસ્તુઓને લઇ બજારમાં ખરીદી શરુ કરી દીધી છે.
ત્યારે જામનગરમાં મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ પૂરું પડતું હોઈ તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજપૂત સમાજની વાડી ખાતે માતૃ શકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. જેમાં મહિલાઓએ પોતાની કલા અને કુશળતાનું પ્રદર્શન કર્યું છે. આ એક્ઝિબિશનમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ વિશેષ ઉપસ્થિતિ આપી મહિલાઓના ઉદ્યમને બિરદાવ્યો હતો. એક્ઝિબિશનમાં 72 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં મહિલાઓએ પોતાની જાતે બનાવેલી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન કર્યું હતું.
ખાસ કરીને પોતાના ઘરે જ વસતો બનાવી વ્યવસાય કરતી મહિલાઓને આ એક્ઝિબિશનમાં સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાની જાતે બનાવેલી વસ્તુઓને વેચી શકે અને આર્થિક રીતે સ્વનિર્ભર બની શકે. આ બે દિવસીય એક્ઝિબિશને મહિલા સશક્તિકરણનું એક અનોખું ઉદાહરણ છે અને આવા કાર્યક્રમોથી મહિલાઓને આગળ આવવાની અને પોતાની પ્રતિભાને નિખારવાની પ્રેરણા મળે છે. ત્યારે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આવા કાર્યક્રમોથી મહિલાઓને સ્વરોજગારની તકો મળે છે અને તેઓ આર્થિક રીતે સશક્ત બને છે. જેથી હું આવા પ્રયત્નોને હંમેશા પ્રોત્સાહિત કરું છું.”
સાગર સંઘાણી