સાગર સંઘાણી
જામનગરમાં ૪૫ વર્ષની મહિલા પોતાના ઘેર મૃત હાલતમાં મળી આવી હતી. જેને ગળે ટૂંપો દીધેલો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જે અંગે પોલીસે તબિબની પેનલ મારફતે પોસ્ટમોર્ટમ કરાવતાં તેની ગળે ટૂંપો દઈ હત્યા નીપજાવ્યાં તારણ નીકળ્યું હોવાથી પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર નજીક દરેડની છે. જ્યાં એક ખોલીમાં રહીને મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના બાબુપુર ગામના વતની કમલસિંગ બલરામસિંઘ બધેલ કે જેના પત્ની મીનાબેન (૪૫ વર્ષ) ૨૨ એપ્રિલ મોડી સાંજે પોતાના ઘરે એકલા હતા, જે દરમિયાન તેણી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
આ બનાવ અંગે પતિ કમલસિંગ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી જામનગરની જી.જી. હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
જે પોસ્ટપોટમના રિપોર્ટમાં મીનાબેનની ગળે ટુંપો દઇ હત્યા નીપજાવી હોવાનું તારણ નીકળ્યું હતું. જેથી પંચકોશી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.એ. મોરી તેમજ રાઇટર દિગુભા જાડેજા વગેરેએ કમલસિંઘ બલરામસિંઘની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિ સામે આઇ.પી.સી. કલમ ૩૦૨ અને ૪૪૭ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તપાસનોં ધમધમાટ શરૂ કર્યો છે.
મૂળ મધ્યપ્રદેશના વતની પરપ્રાંતિય પરિવાર કે જેમાં મીનાબેન, પતિ કમલસિંઘ અને તેના ત્રણ સંતાનો જેઓ છેલ્લા કેટલાક વર્ષથી દરેડ વિસ્તારમાં રહે છે, અને પતિ તથા ત્રણેય સંતાનો એક કારખાનામાં મજૂરી કામે જાય છે, જ્યારે મીનાબેન પોતાના ઘેર એકલા હતા.
જે દરમિયાન તેઓના ઘરમાં કોઈ અજ્ઞાત વ્યક્તિ આવ્યો હતો, અને મીનાબેન ની સાડી વડે ગળે ટૂંપો આપી દીધો હતો. કયાં સંજોગોમાં આ હત્યા નીપજવાઇ છે, અથવા તો હત્યાર પાછળનું કારણ શું છે, જે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, અને આડોશી પડોશીઓના પણ નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.