જામનગર મહાપાલિકાની નબળી આર્થિક સ્થિતિના કારણે સ્ટાફના પગાર પણ સમયસર થતા નથી. બીજીતરફ લાખો રૂપિયાના બિનજરૂરી ખર્ચાઓ થઈ રહ્યા છે. ખાસ કરીને જુની રીકવરી કરવામાં તંત્ર ઉણું ઉતરતું હોવાથી પૈસા માટે તંત્રને ગાંધીનગર તરફ મીટ માંડવી પડે છે.
જામનગર મહાપાલિકા સ્ટાફનો પગાર આજ સુધી થયો નથી. મળતી માહિતી મુજબ બે માસની ઓકટ્રોય વળતરની ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી મળી નથી. આથી મહાપાલિકાની તિજોરી ખાલી હોવાથી હાલનો પગાર કરવો શક્ય નથી. હવે આવતા અઠવાડીયે કદાચ પગાર કરવામાં આવે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે.
બીજીતરફ મહાપાલિકા પોતાની જુની લેણી રીકવરીમાં પણ નિષ્ફળ ગઈ છે. માટે પણ તિજોરી તળીયા ઝાટક છે. મિલકત વેરાની વસુલાત માટે મિલકત વેરા શાખા દ્વારા સીલીંગ કામગીરી કરવામાં આવી રહી છે.
જેથી લોકો બાકી મિલકત વેરો ભરપાઈ કરવા તત્પરતા દાખવે તેવી જ રીતે વોટર વર્કસ શાખાની પણ આશરે ૧૦૦ કરોડની વસુલાત બાકી છે. પરંતુ તેની વસુલાત માટે તંત્રને કોઈ જ રસ નથી.
પાણી વેરો નહીં ભરનારા આસામીના નળ જોડાણો કાપવાની કામગીરી સદંતર બંધ હાલતમાં છે. આથી ગેરકાયદે નવી જોડાણ મેળવનારને પાણી મળે છે અને વેરો ભરનારા આસામીને પૂરતું પાણી મળતું નથી. શા માટે મ્યુનિ. કમિશ્નર દ્વારા પાણી વેરા વસુલાત માટે કડકાઈથી કામગીરી લેવામાં આવતી નથી.
એકતરફ મહાપાલિકાની તળીયા ઝાટક તિજોરી આવકના સ્ત્રોત અપૂરતા તો બીજીતરફ જાલીમ ખર્ચાઓ ભવિષ્યમાં મહાપાલિકાને લઈ ડુબશે તેવું હાલ દેખાઈ રહ્યું છે.