ફાઇનલ મેચમાં જામનગર જિલ્લાના સાંસદ-કૃષિ મંત્રી ધારાસભ્ય મેયર સહિતના મહાનુભાવોએ હાજરી આપી પ્રોત્સાહિત કર્યા
વડોદરામાં રમાઈ ગયેલી ઇન્ટર કોર્પોરેશન મેયર કપ ટુર્નામેન્ટમાં જામનગરની મેયર ઇલેવને 51 રન ની લીડ થી ઝળહળતો વિજય પ્રાપ્ત કરી ચેમ્પિયન બની હતી, અને જામનગરનું ગૌરવ વધાર્યું છે.
મેયર ઇલેવન ની ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ટીમનો હિસ્સો બનેલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અને ટીમ લીડર મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવોએ વડોદરા ખાતે હાજરી આપી જામનગરના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ફાઇનલ મેચ બાદ ચેમ્પિયન અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને મેડલ સહિતના ઇનામોનું વિતરણ કરવા માટેનો સમારોહ યોજાયો હતો. જેમાં પણ જામનગરના તમામ મહાનુભાવો ઉપસ્થિત થયા હતા અને ચેમ્પિયન ટિમ ના કોર્પોરેટર કેતનભાઇ નાખવા તથા સમગ્ર ટીમને ટ્રોફી એનાયત કરી, મેડલ પહેરાવી, સન્માનિત કર્યા હતા, અને ભવ્ય આતશબાજી સાથે ચેમ્પિયન ટીમને વધાવી લઈ ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું.
જામનગરની મેયર ઇલેવન વિજેતા બનતાં જામનગરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. જામનગર શહેર ભાજપના કાર્યાલય પર વડોદરા ની ફાઈનલ મેચ નું લાઈવ પ્રસારણ રાખવામાં આવ્યું હતું, અને શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા ની રાહબરી હેઠળ શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, તથા વિવિધ મોરચાના અગ્રણી કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને મેચનું લાઈવ પ્રસારણ નિહાળી રોમાંચિત બન્યા હતા, અને ખુશી વ્યક્ત કરી હતી.
અમારી આ જીત દીવંગત સલીમ દુરાનીને અર્પણ કરીએ છીએ: દિવ્યેશ અકબરી
અબતક સાથેની ટેલીફોનીક વાતચીતમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યુંહતુકે અમારો ફાઈનલ મેચ વડોદરા મેયર સામે વડોદરા ખાતે યોજાયો હતો. જેમાં અમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ લીધી હતી. અમારી ટીમે 212 રન કર્યા હતા. જયારે સામે વડોદરાની ટીમે 159 રન કર્યા હતા. અમારો 53 રને વિજય થયો હતો. અમારી ટીમમાં કેતન નાથવાએ 69 રન, દિવ્યેશ અકબરીએ 57 રન, જીતેશ સીંગાળાએ 31રન કર્યા હતા. અમારી ટીમમાંથી કેતન નાથવાને મેનઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. અમારી આ ફાઈનલ મેચને નિહાળવા સાંસદ પુનમબેન માડમ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર બીનાબેન કોઠારી, મેઘજીભાઈ, ધરમસીભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમારી આ જીત અમે સ્વ.ભૂતપૂર્વ ખેલાડી સલીમ દુરાનીને અર્પણ કરીએ છીએ.