કોમર્શીયલ બાકીદારો પાસેથી વસુલાતને પ્રાથમિકતા

વેરા વસુલવા છ ટીમો બનાવાઈ: રોજનો 100 મિલકત સીલ કરવાનો લક્ષ્યાંક

મહાપાલિકાની આવકમાં ગાબડું પડતા મિલકત વેરાની કડક વસુલાત માટે 34 સભ્યોની છ ટીમ બતાવી કડક ઉઘરાણી કરવા મ્યુ.કમિશનરે તાકીદ કરી છે. આ ટીમોને રોજની 100 મિલકતો સીલ કરવા લક્ષ્યાંક આપ્યો છે.

જામનગર મહા નગરપાલિકાના મિલ્કત વેરાની વસુલાતમાં ઢીલી કામગીરીને લઇને આવકમાં ખૂબ જ મોટો ઘટાડો નોંધાતા કમિશ્નર ચોંકી ઉઠયા હતા અને રિકવરી માટેની યાદી તૈયાર કરી બાકીદારો સામે કડક કાર્યવાહી કરવા અધિકારીઓને તાકિદ કરાઇ હતી.

જામનગર મહા નગરપાલિકાના ગત વર્ષના બજેટ વખતે ટેકસ રીકવરીનો લક્ષ્યાંક રૂા.78 કરોડનો રાખવામાં આવ્યો હતો. પરંતુ 2020માં લોકડાઉનને કારણે લોકોની આર્થિક સ્થિતિ પણ બગડી હતી અને તંત્રએ પણ કોરોનાને પ્રાથમિકતા આપવી પડી હતી. બાદમાં તંત્રએ ટેકસ રીબેટ સ્કીમ જાહેર કરી હતી. જેમાં તંત્રે મોટી આવક થતાં આજ સુધીમાં મ્યુ.કોર્પો.ને ટેકસ પેટે રૂા.57 કરોડની આવક થવા પામી છે.

ટેકસ રીકવરી માટે મ્યુ.કમિશ્ર્નર સતીષ પટેલની સુચનાથી હાઉસ ટેકસ શાખા દ્વારા 35 સભ્યોની 6 ટેકસ રીકવરી ટીમ બનાવી છે. જેની મ્યુ. કમિશ્ર્નરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં કડક પગલા લઇને દૈનિક 100 જેટલી મિલ્કતોના સીલીંગનું લક્ષ્યાંક આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં માર્ચના અંત સુધી કડક હાથે ટેકસ રીકવરી કરવામાં આવશે. તંત્ર દ્વારા દર વખતની જેમ આ વર્ષે પણ કોમર્શીયલ મિલ્કતોના વેરાના બાકીદારો સામેની કાર્યવાહીને પ્રાથમિકતા આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.