જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાના એક આખેઆખા એપાર્ટમેન્ટ (ટાવર) નું નિર્માણ એક આસામીની ખાનગી માલિકીની જમીન પર થઈ ગયું ત્યાં સુધી તંત્રને કોઈ ખબર ન પડી! અને આવા અંધેરતંત્રના ભ્રષ્ટાચાર કે સંપૂર્ણ બેજવાબદારી ભર્યા કામના કારણે મહાનગરપાલિકાએ આ આસામીને વીસ હજાર ચોરસ ફૂટ જેટલી વિશાળ જમીન કે જેની કિંમત અંદાજે બે થી ત્રણ કરોડ થાય છે તે વિકલ્પરૃપે કે વળતરરૃપે આપવી પડે છે!
આ પ્રકરણમાં જ્યારે ખાનગી જમીનના આસામીએ તેમની જમીનના આધારપુરાવા સાથે પોતાની જમીન પર આવાસના ટાવરનું બાંધકામ થઈ ગયું હોવાની લેખિતમાં ફરિયાદ મનપામાં કરી ત્યારથી આ મામલે ભીનું સંકેલવા, એકબીજા પર દોષનો ટોપલો ઓઢાડી દેવાના કારસા થયા… અને અંતે મનપાના પદાધિકારીઓએ સૌને બચાવી લીધા! આ પ્રકરણમાં આટલી મોટી ગંભીર ભૂલ કોની છે તેની કોઈ વિગતો જાહેર કર્યા વગર ખાનગી આસામીને ર૦ હજાર ચો. ફૂટ જમીન આપી દેવાનો ઠરાવ બહુમતિના જોરે પસાર કરાવી લીધો…
ખરેખર તો આ પ્રકરણ જ્યારે પ્રકાશમાં આવ્યું ત્યારે મનપાના જ સિવિલ એન્જિનિયરે એવું સત્તાવાર રીતે જણાવ્યું હતું કે જમીનની પસંદગી થયા પછી તેની લાઈનદોરી આંકવામાં સર્વેયરની ભૂલ થઈ ગઈ હતી… તો બીજી તરફ આ કામના કન્સલ્ટન્ટની જવાબદારી પર ઢાંકપીછોડો કરી દેવાયો છે. આ એન્જિનિયરે તો ત્યાં સુધી જણાવ્યું હતું કે આખેઆખું ટાવર નહીં પણ જમીનનો માત્ર ૧૦૦ ચો.ફૂટ જેટલો નાનકડો હિસ્સો જ જે તે ખાનગી મિલકતનો આમાં ભૂલથી થઈ ગયો છે અને તેને તેટલી જગ્યાનું વળતર આપી દેવાશે… કોઈ ગંભીર ભૂલ નથી!
જો ર૦ હજાર ફૂટ જમીન આપવી પડે, તો શું નાનકડો ભાગ જ ભૂલથી આવી ગયો? આખેઆખો ટાવર બની ગયો ત્યાં સુધી કોઈનું ધ્યાન સુદ્ધા ગયું નહીં? કન્સલ્ટન્ટ, સર્વેયર, રોજકામ કરનારો સ્ટાફ, વિવિધ એન્જિનિયરમાંથી કોની ભૂલ થઈ છીે તે હજી પણ જાણી જોઈને સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. કારણ કે સમગ્ર પ્રકરણમાં પદાધિકારીઓ તો પાછળથી મેદાનમાં આવ્યા… તે પહેલાંથી અત્યાર સુધી શા માટે કોઈની જવાબદારી ફીક્સ કરી તેની સામે પગલાં લેવામાં આવતા નથી? આખેઆખું કોળું શાકમાં જતું રહે તેવા અંધેર તંત્રમાં જાણીજોઈને ભૂલ કરનારાઓને તો મોજ પડી ગઈ છે! અને આ એક પ્રકરણે નવો ચીલો ચાતર્યો છે, ’લાભ લેવાનો અને લાભ અપાવી દેવાનો!’
આ સમગ્ર પ્રકરણમાં ખરેખર ખાનગી જમીનનો કેટલો ભાગ આવાસના નિર્માણમાં આવ્યો તેનું ચોક્કસ માપ, કન્સલ્ટન્ટનું નામ, લાઈનદોરી કોણે કરી, રોજકામ કોણે કર્યું સહિતની વિગતો સત્તાવાર રીતે મહાનગરપાલિકાએ ઠરાવ કરતા પહેલા જાહેર કરવી જોઈએ અને આવી ગંભીર ભૂલ કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી, નાણાકીય વસૂલાત સહિતના પગલાં લેવા જોઈએ. બાકી તો આ અંધેર તંત્રમાં પેધી ગયેલા અને ’નિષ્ણાત’ અધિકારીઓ ઈજનેરો અને સ્ટાફ ચૂંટાયેલા પ્રતિનિધિઓ-પદાધિકારીઓની નબળાઈનો લાભ ઊઠાવતા રહેશે!