અબતક, જામનગર
મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીને બચાવવા એક મહત્વકાંક્ષી પ્રોજેકટ હાથ ધરાયો છે. જે અંતર્ગત રસ્તા પર વહી જતું વરસાદી પાણી બચાવી આ પાણી જમીનમાં ઉતારાશે. આ માટે 100 ફૂટ ઉંડા અને 10 ઈંચ ડાયામીટરવાળા 75 બોર જ્યારે 25 ફૂટ ઉંડા અને 15 ફૂટ પહોળા પાંચ કુવા બનાવવામાં આવી રહ્યાં છે.મહાનગરપાલિકાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં વહી જતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરીને પાણીને ભુગર્ભમાં ઉતારવામાં આવશે. 2 કરોડ અને 6 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરાઈ રહ્યો છે.
રસ્તા પર વહી જતું વરસાદી પાણી જમીનમાં ઉતારાશે, આ માટે 100 ફૂટ ઉંડા અને 10 ઈંચ ડાયામીટરવાળા 75 બોર જ્યારે 25 ફૂટ ઉંડા અને 15 ફૂટ પહોળા 5 કુવા બનાવવામાં આવી રહ્યાં છે
જેમાં રસ્તા પર પાણીનો બગાડ અટકાવી શકાશે. આ પાણીને પાઇપલાઇન થકી, કુવા અને બોરની મદદથી જમીનના તળમાં ઉંચા લાવવામાં આવશે. બોરના પાણીમાં ખારાશનું પ્રમાણ ઓછું થશે. રોડનું પાણી પાઈપ મારફતે એક કુવામાં આવે, જે કુવામાં પાઈપ દ્વારા ઉંડા બોરમાં પાણી જાય, જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરી શકે. આ પ્રોજેકટને વોટર હાર્વેસ્ટીંગ કહેવાય છે. જે રાજયનો પ્રથમ પ્રોજેકટ જામનગરમાં તૈયાર થયો રહ્યો છે જામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટથી વરસાદી પાણીનો બગાડ ઓછો અને સંગ્રહ કરીને જમીનના તળમાં ઉતારી શકાશે. આ પ્રોજેક્ટ હેઠળ વધુ કુવા-બોર તૈયાર કરવામાં આવશે.
43 લોકેશન પર વોટર હાર્વેસ્ટિંગ માટે જગ્યા પસંદ કરી
આ અંગે એન્જિનિયર હરેશ વાણીયાએ જણાવ્યું છેકે, સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ મહાનગરપાલિકાની સિવિલ શાખાના એન્જિનિયરોએ ત્રણ સિવિલ ઝોનમાં જ્યાં સૌથી વધારે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન સર્જાય છે તેવા વિસ્તારોને સર્વે કરીને શહેરના 43 લોકેશન પર વોટર હાર્વેસ્ટિંગ માટે જગ્યા પસંદ કરી છે.
આ સ્થળોએ કુવા બનાવાશે
વોટર હાર્વેસ્ટિંગ માટે તંત્રએ સ્વસ્તિક ગાર્ડનમાં 2, ડિકેવી કોલજ કમ્પાઉન્ડમાં 2 અને તપોવન સોસાયટી સદગુરુ વિસ્તારમાં જૈન ઉપાશ્રય સામે 1, ખાખીનગર વિસ્તારમાં સમર્પણ પ્રાર્થના કોમન પ્લોટ રાવડીની જગ્યામાં કુવા બનાવ્યા છે.
75 બોર અને 5 કુવા બનાવાયા
તંત્રએ શહેરની અલગ અલગ જગ્યાઓએ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્વસ્તિક સોસાયટીથી લઇ પાર્ક કોલોની અને ત્યાંથી પંચવટી સોસાયટી સુધીના બે કિલોમીટરના પટ્ટામાં પાઈપ લાઈન નાખીને દર 30 મીટર 100 ફૂટ ઊંડા અને 10 ઇંચ ડાયામીટર વાળા 75 બોર અને અલગ અલગ જગ્યાઓ પર 25 ફૂટ ઊંડા અને 15 ફૂટ પહોળા 5 કુવા બનાવવામાં આવી રહ્યાં છે. શહેરના 41 વિસ્તારોમાં પણ ઝડપથી કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.