બંને વિસર્જન કુંડ 150 ફૂટ લાંબા, 60 ફૂટ પહોળા, 8 ફૂટ ઉંડા: હાપા નજીક તથા લાલપુર બાયપાસ પાસેના કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવા તંત્રનો અનુરોધ
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ જુદા જુદા બે સ્થળોએ ગણપતિ વિસર્જન માટેના બે મોટા કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં બંને સ્થળોએ એક રાજકોટ રોડ પર જ્યારે બીજો રણજીત સાગર રોડ બાયપાસ ચોકડી પાસે મહાનગરપાલિકાની જગ્યામાં બનાવાયા છે.
જેમાં 150 ફૂટ ની લંબાઈ, 60 ફૂટ ની પહોળાઈ અને આઠ ફૂટની ઊંડાઈ સાથે ના સ્લોપ વાળા બંને કુંડ બનાવાયા છે. જેમાં પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે અને પાણી ભરીને વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સાથો સાથ ગણપતિ મંડળના આયોજકો સ્થળ પર પૂજા કરી શકે તે માટેના પૂજા ના ટેબલ સહિતની વ્યવસ્થા ગોઠવાઈ છે. જ્યારે નાની મોટી દરેક પ્રકારની મૂર્તિઓનું વિસર્જન મહાનગરપાલિકા દ્વારા તૈયાર રાખવામાં આવેલી ટીમ મારફતે જ ગણપતિ ની મૂર્તિઓનું વિસર્જન કરાશે. જામનગરની જનતાએ માત્ર વિસર્જન કુંડ ની બહાર ઊભા રહીને ગણપતિની મૂર્તિની વિસર્જનની પ્રક્રિયાઓ નીહાળી શકાશે.
મોટી મૂર્તિઓ માટે હાઇડ્રા ક્રેઇનની પણ બંને સ્થળે વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યાં એકત્ર થયેલી તમામ મૂર્તિઓને મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે નિર્માણ કરવામાં આવેલા મહાપ્રભુજીની બેઠક નજીકના વિસર્જન કુંડમાં માં મૂર્તિઓ એકત્ર કરીને વિધિ વિધાન સાથે અને આસ્થાભેર વિસર્જિત કરવામાં આવશે.
જામનગર મહા નગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી અને ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાની ના માર્ગદર્શન હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ વિભાગના અધિકારી રાજીવ જાની તેમજ ચેતન સંઘાણી અને હિરેન સોલંકી સહિતની ટીમ દ્વારા સમગ્ર વિસર્જન કુંડની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને 19 મી સપ્ટેમ્બરથી તારીખ 30 સપ્ટેમ્બર સુધી પ્રતિદિન વિસર્જનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. જ્યા લાઇટિંગ વ્યવસ્થા તેમજ પીવાના પાણી અને પોલીસ સિક્યુરિટી ગાર્ડ સહિતની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરતા ગણેશ ભક્તો દ્વારા શ્રી ગણેશ મહોત્સવની ઉજવણી બાદ શ્રી ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા કુંડ-1 : જામનગર- રાજકોટ રોડ પર સ્કોડાના શો – રૂમ સામે, પ્લોટ નં. 47 તેમજ કુંડ-2 લાલપુર બાયપાસ થી રણજીત સાગર તરફ જતા પુલની જમણી બાજુએ આવેલ સરદાર રિવેરાની અંદર વિસર્જન કુંડ બનાવેલા છે.
જેથી જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણપતિની નાની મોટી મૂર્તિઓનું સ્થાપન કરતા ગણપતિ પાંડલના આયોજકોએ તમામ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન મહાનગરપાલિકા નિર્મિત ઉપરોક્ત બંને કુંડમાં કરવામાં આવે, અને પર્યાવરણની જાળવણીમાં સહભાગી થવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.