જામનગર સમાચાર
જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા પાંચ ડાયાબીટીક બાળકોની દવાનો એક વર્ષનો ખર્ચ આપવાની જાહેરાત કરી પાંચ બાળકોને દતક લઈ પ્રેરણારૂપ વિચાર સમાજને આપ્યો હતો. જુવેનાઈલ ડાયાબીટીઝ ફાઉન્ડેશન જામનગર દ્વારા છેલ્લા 17 વર્ષથી જુવેનાઈલ ડાયાબીટીક બાળકો માટે સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે તારીખ 26 ના રોજ બ્રહ્મ ક્ષત્રીય જ્ઞાતિની વાડી ખાતે વિનામુલ્યે નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન જામનગર દ્વારા આયોજિત મેગા કેમ્પમાં 114 ડાયાબીટીક બાળકોને જરૂરી ઇન્સ્યુલિન, સીરીઝ, ગ્લુકોમીટર સ્ટ્રીપ, લાન સેટ, વિગેરે દવાઓનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ડો.સોનલબેન શાહ અને તેની ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષ નેતા આશિષ જોષી વિગેરે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ તકે ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા પાંચ બાળકોને દતક લઈ તેમની દવાનો એક વર્ષનો ખર્ચ આપવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે જુવેનાઈલ ડાયાબીટીક બાળકોને જરૂરી ઇન્સ્યુલિન, સીરીઝ, ગ્લુકોમીટર સ્ટ્રીપ, લાન સેટ, વિગેરે દવાઓનો એક બાળકનો એક માસનો અંદાજે 4000 થી 5000 અને એક વર્ષનો 48000 થી 60000 રૂપિયાનો ખર્ચ થાય છે.
રીવાબા જાડેજા દ્વારા જે પાંચ બાળકોને દત્તક લઇ તેમનો એક વર્ષનો ખર્ચ આપવાની જાહેરાત કરી હતી. આમ પાંચ બાળકોનો એક વર્ષનો અંદાજીત રૂ. અઢી થી ત્રણ લાખનો ખર્ચ ઉઠાવવાની ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા જાહેરાત કરાઈ હતી. આ કાર્ય બદલ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી રમણીક ચાંગાણીએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.