વિંજરખી, પડાણા, ખીરી, ડુંગર, તારાણા, બાલંભા, જાલીડા અને સોયલના ખનીજ માફિયામાં ફફડાટ

જામનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનિજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ અટકાવવા વારંવાર આકસ્મીક તપાસ હાથ ધરી ખનિજ ચોરી પકડવામાં આવે છે. જામનગર ભૂસ્તરશાસ્ત્રી સુભાશ જોષીની સુચનાથી રોયલ્ટી ઇન્સ્પેકટર રોહીતસિંહ જાદવ, માઇન્સ સુપર વાઇઝર અનીલ વાઢેળ તથા પ્રતિક બારોટ અને ટીમના સભ્ય દ્વારા જુલાઇ માસમાં જામનગર તાલુકાના વિંજરખી, ચેલા, મિયાત્રા, કોન્ઝા વગેરે ગામો, લાલપુર તાલુકાના પડાણા, જોડીયા તાલુકાના ખીરી, ડુંગર વિસ્તાર, બાલંભા, તારાણા, જોડીયા વગેરે ગામો તથા કાલાવડ તાલુકાના મોટાવડાળા, ધ્રોલ તાલુકાના ખીજડીયા, જાલીયા માનસર અને સોયલ વગેરે ગામો તથા જામજોધપુર તાલુકાના વિવિધ ગામોમાં તપાસ કરી કુલ 34 કેસ નોંધવામાં આવ્યા હતાં

જેની સામે સરકારની તિજોરીમાં રૂા. 33.34 લાખની આવક થવા પામી છે.  વર્તમાન નાણાંકીય વર્ષ 2023-24માં એપ્રિલથી જુલાઇ સુધીમાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના કુલ 122 કેસ કરવામાં આવ્યા છે. અને આ તમામ ઇસમો પાસેથી કુલ રૂા. 147.63 લાખની આવક સરકારની તિજોરીમાં જમા થઇ છે. ગત નાણાંકીય વર્ષ 2023-24માં એપ્રિલથી જુન સુધીમાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના કુલ 67 કેસ કરવામાં આવ્યા હતા અને તે ત્રણ મહીના દરમ્યાન તંત્રને રૂા.80.79 લાખની આવક થવા પામી હતી.

ઓછો સ્ટાફ છતાં આવક વધારી શકાય: સુભાષ જોષી

‘અબતક’ સાથેની વાતચિતમાં જામનગર જિલ્લા ખાણખનિજ કચેરીનાં મુખ્ય અધિકારી (ભૂસ્તરશાસ્ત્રી) સુભાષ જોષીએ જણાવ્યું હતું કે વર્તમાન નાણાંકીય વર્ષમાં એપ્રીલથી જુલાઇ સુધીમાં સરકારને રૂા.1212.93 લાખની આવક થવા પામી છે. જે ગત વર્ષના એટલે કે વર્ષ 2022-23ના એપ્રિલથી જુલાઇ સુધીની રૂા.703.94 લાખની મહેસુલી આવક કરતા ઘણી વધુ છે. આમ ઉલ્લેખનીય છે કે, આગળના વર્ષની તુલનામાં ચાલુ વર્ષમાં સરકારની મહેસુલી આવક વધવા પામી છે.

આ કચેરીમાં સ્ટાફની ઘટ હોવા છતાં ઉપરાઉપરી આકસ્મિક ચેકીંગ સહિતની કાર્યવાહી અને પરિણામલક્ષી કામગીરીનાં ફળસ્વરૂૂપે કચેરીની મહેસૂલી આવક તથા દંડકીય કાર્યવાહીનાં કારણે કચેરીની કુલ આવકમાં વધારો નોંધાવી શકાયો છે. તેઓએ કહ્યું હતું કે, રોયલ્ટી ચોરીને ગંભીર ગુનો ગણી આકસ્મિક ચેકીંગ કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.