જામનગર મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર તથા સ્થાયી સમિતિના ચેરમેન પદ માટે તા. ૧પ મી જૂને ચૂંટણી યોજાશે.
હાલના મહિલા મેયર પ્રતિભાબેન કનખરાની અઢી વર્ષની મુદ્ત પૂર્ણ થતાં બાકીના અઢી વર્ષની મુદ્ત માટે આ ટર્મમાં ઓબીસી માટે અનામત છે.
હાલની સત્તાવાર સ્થિતિ મુજબ ૬૪ સદસ્યોના બોર્ડમાં ભાજપના ૩૮ અને વિપક્ષના ર૬ સભ્યો છે, જો કે રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ૧૦ સભ્યો ભાજપમાં જોડાયા હોવાનું જાહેર થયું હતું. તે મુજબ હાલ ભાજપ પાસે ૪૮ અને વિપક્ષ પાસે ૧૬ સભ્યોનું સંખ્યાબળ છે. સ્પષ્ટ બહુમતિના કારણે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન પદે ભાજપના ઉમેદવારનો વિજય સુનિશ્ચિત છે.
મેયર પદ ઓબીસી માટે અનામત હોવાથી ભાજપના ઓબીસી વર્ગના ઉમેદવારોમાં મેરામણભાઈ ભાટુ, પ્રવિણભાઈ માડમ, કરસનભાઈ કરમૂર, હસમુખભાઈ જેઠવાના નામો ચર્ચામાં છે અને મેયર પદ માટે છેલ્લા કેટલાય દિવસથી સંભવિત ઉમેદવારો દ્વારા લોબીંગ થઈ રહ્યું હોવાની ચર્ચા છે.
જો મેયરપદ એક વોર્ડના સભ્યને અપાય તો સ્થાયી સમિતિના ચેરમેન પદ અન્ય વોર્ડમાંથી અને વગદાર જ્ઞાતિના સભ્યને આપવું પડે… ડેપ્યુટી મેયર માટે મહિલા ઉમેદવારની પસંદગીમાં પણ બીનાબેન કોઠારી, ડીમ્પલબેન રાવલ, પ્રફુલ્લાબેન જાનીના નામો ચર્ચામાં આગળ છે. જ્યારે સ્થાયી સમિતિના ચેરમેન પદ જેવી અતિ મહત્ત્વની ખુરશી પર બિરાજમાન થવા માટે પણ પટેલ લોબી જોરદાર પ્રયાસો કરી રહી છે.
વર્ષ ર૦૧૯ માં લોકસભાની ચૂંટણી યોજાનાર હોવાથી ભાજપ પણ સક્ષમ વ્યક્તિઓની જ પસંદગી કરશે તેમ જણાય છે.
તા. ૧પ મી જૂને બપોરે ૧ર વાગ્યે જનરલ બોર્ડ માત્ર ચૂંટણીના એજન્ડા સાથે મળશે. ભાજપની પરંપરા પ્રમાણે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા વચ્ચે પસંદગીના નામો જાહેર કરી તેમના સભ્યોને વ્હીપ આપવામાં આવશે, આમ તા. ૧પ મી જૂનના સવાર સુધી રાજકીય સસ્પેન્સ ચાલુ રહેશે.