છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યભર માં મીડિયા માં ચર્ચાસ્પદ બનેલા જામનગર શહેર ભાજપના મહિલા નેતાઓ ના કડવા વાર્તાલાપનું પ્રકરણ, કે જેના બંધ થવાના અણસાર દેખાતા નથી !

સમગ્ર રીતે આમ જુઓ તો ભારતીય જનતા પક્ષનો આ આંતરિક મામલો જ ગણી શકાય… આ પ્રકરણને ગુજરાત રાજ્ય સહિતના અનેક મીડિયામાં ખૂબ જ મહત્વનું સ્થાન એટલા માટે મળ્યું, કારણ કે તે જાહેરમાં થયું. મીડિયા, કેમેરા અને ભાજપના પદાધિકારીઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારી, અધિકારીઓની હાજરીમાં થયું !

જે થયું તે.. . ખુલાસા, નારાજગી, નિવેદનો, પ્રતિક્રિયાઓ રજુ થયા અને મેયરપક્ષે પરિવાર તથા જૈન સમાજ તરફથી રજુઆતો પણ થઈ. તેમ છતાં આ પ્રકરણ હજુ શાંત પડ્યું હોય તેમ જણાતું નથી.  રવિવારે બપોર પછી સમગ્ર શહેરમાં મેયર રાજીનામું આપી રહ્યા હોવાની વાત વહેતી થઈ…

એ આજ સવાર સુધી ચાલુ રહી. અંતે ખૂદ મેયરે સ્પષ્ટતા કરીને ભારપૂર્વક જણાવ્યું કે મારા રાજીનામાની વાત માત્ર અફવા છે.

કોઈને કોઈ ખણખોદીયાઓ પછી તે ગમે તે પક્ષના હોય આ પ્રકરણને જાગતું રાખવા માંગે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. ભાજપ જેવા અનુશાસન અને શિસ્તના આગ્રહી, કડક નિર્ણયો લેવામાં શક્તિશાળી રાષ્ટ્રીય પક્ષ દ્વારા આ પ્રકરણમાં હજી સુધી ઉપલી નેતાગીરી દ્વારા મૌન જાળવી રાખવામાં આવ્યું છે, તે પણ સૂચક છે ! આગામી મહિને મેયર, ડે.મેયર, સ્થાયી સમિતિના ચેરમેનની પસંદગી સતાધારી ભાજપે કરવાની છે, ત્યારે આ પ્રકરણના કારણે કેટલાંક દાવેદારોના નામની બાદબાકી થઈ જાય તો પણ નવાઈ નહીં ! જોકે ચાલો માસના અંતે જ સ્થિતિ સ્પષ્ટ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.