જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં ચણા અને ધાણાની મબલખ આવકથી યાર્ડ છલકાયું હતું. યાર્ડમાં ચણાની આવક 27,488ની નોંધાઇ છે. જયારે ધાણાની આવક 22,750 મણની રહી હતી. ખેડૂતોને ખુલ્લા બજારમાં સારા ભાવ મળતા હોય જેથી આવક ખૂબ સારી રહે છે. તેમ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું.જામનગર ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ હાપા યાર્ડમાં મગફળી સુકા મરચાની વિક્રમ જનક આવક બાદ હવે ચણા અને ધાણી-ધાણાની આવક પણ વિક્રમ જનક રીતે દિન-પ્રતિદિન વધી રહી છે.
યાર્ડમાં ચણા અને ધાણાના ભાવ પણ સારા એવા ખેડૂતોને મળી રહ્યા છે. જેથી ખેડૂતો પણ આનંદની લાગણી વ્યકત કરે છે. યાર્ડમાં ધાણી અને ધાણાની મબલખ આવકથી યાર્ડ આખુ છલોછલ છલકાઇ રહ્યું છે.
યાર્ડમાં ખેડુતોના સારી ગુણવત્તાવાળા ધાણા-ધાણીની આવકથી વેપારીઓમાં પણ આનંદની લાગણી ફેલાઇ છે. સારી ગુણવત્તા વાળા ધાણાના બજાર ભાવ પણ સારા મળી રહ્યા છે. ધાણાની આવકની વાત કરીએ તો છેલ્લા 3 દિવસ દરમ્યાન 13087 મણ, 28000 મણ તેમજ 22,750 મણ ધાણાની આવક થઇ છે. ધાણાના ભાવ રૂા.1100થી 1300ની વચ્ચે રહ્યા હતા. જયારે ધાણીનો ભાવ રૂા.1300થી વધીને રૂા.2500 સુધી પહોંચ્યો હતો.
આજ રીતે જોઇએ તો ચણાની આવક પણ યાર્ડમાં વિપુલ પ્રમાણમાં નોંધાઇ રહી છે. સારી કવોલેટીના ચણાનું ઉત્પાદન પણ વ્યાપક પ્રમાણમાં થયું છે. જેને લીધે યાર્ડ ચણાની આવકથી પણ ઉભરાઇ રહ્યું છે. આ જ રીતે યાર્ડમાં ચણાની આવક 31000 મણ, 32000 મણ, 27000 મણ સુધી પહોંચી હતી. ચણાના ભાવ જોઇએ તો રૂા.850 થી 931 સુધી રહે છે. આમ જોઇએ તો જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં હવે ધાણાને ચણાની આવક પણ સારા ભાવને કારણે વધી રહી હોવાનું યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું.