રાજકોટ રાજવી પરિવારના સભ્ય લાખોટા તળાવની મુલાકાત દરમિયાન સર્જાઇ દુર્ઘટના
જામનગર સ્થિત ઐતિહાસિક લાખોટા તળાવમાં આવેલા પ્રાચીન કોઠાની મુલાકાત વેળાએ રાજકોટ રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજા પર ઇમલાનો ભાગ પડતા ઘવાયા હતા.
જામનગર શહેરની ઐતિહાસિક લાખોટા તળાવમાં આવેલા પ્રાચીન કોઠાની રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા (મયુરરાજા) પરિવાર સાથે શુક્રવારે મુલાકાતે ગયા હતા. ત્યારે બિપરજોય વાવાઝોડાની અસરને પગલે કોઠાની બહાર નિકળતી વેળાએ માંધાતાસિંહજીના માથા અને ખભ્ભામાં ઇમલાનો ભાગ પડતા ઇજા પહોંચી હતી. લોહી-લુહાણ હાલતમાં જામનગર સ્થિત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતા જામનગરના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના અગ્રણી હકુભા જાડેજા સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. સીટી સ્કેન સહિતના રિપોર્ટમાં સામાન્ય ઇજા હોવાથી સારવાર આપી મોડી સાંજે રાજકોટ ખાતે પરત ફર્યા હતા. ચિંતાનું કોઇ કારણ નથી.