જામનગર શહેરમાં હાલમાં કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ લેતા અનેક લોકોએ પોતાના સ્વજનોને કોરોનામાં ગુમાવ્યા છે અને મૃત્યું પામેલાના અગ્નિ સંસ્કાર કરવા માટે સ્મશાનોમાં પણ હવે કતારો લાગે છે ત્યારે જામનગરની આસપાસ ગ્રામ્ય વિસ્તારના સ્મશાનગૃહોમાં પણ શહેરીજનો અગ્નિ સંસ્કારની વિધિ કરી શકે તેવી વ્યવસ્થા સ્વયંમ જ ઉભી થઇ છે. પરંતુ આ ગ્રામ્ય વિસ્તારના સ્મશાનમાં અગ્નિ સંસ્કાર વિધિ સંપન્ન કરનારને મૃત્યું પ્રમાણપત્ર લેવામાં મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છે. રાજય સરકાર દ્વારા આ માટે યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી રહી છે. જામનગર મહાનગરપાલિકાની હદમાં રહેતા અનેક લોકો કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ પામતા હોય છે. તેમજ વયોવૃધ્ધ હોય અને કુદરતી રીતે પણ હાલમાં પોતાના ઘરે પણ મૃત્યુંના કિસ્સાઓ વધ્યા છે.આ સમયે જામનગરના બન્ને સ્મશાનગૃહઓમાં મૃતકોના અગ્નિ સંસ્કાર માટે લાંબી કતારો લાગી છે.
કોરોના સંક્રમિત મૃતદેહોના માટે તો વિદ્યુત સ્મશાનો અને ગેસ આધારીત સ્મશાન કાર્યરત છે. જયારે મૃતદેહોને સ્મશાનગૃહોમાં અગ્નિસંસ્કાર કરવા માટે જામનગરમાં મુશ્કેલી હોય જેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અનેક સ્મશાનગૃહોમાં અગ્નિસંસ્કાર વિધિ સંપન્ન થાય છે તે સારી વાત છેપરંતુ ગ્રામ્ય વિસ્તારના સ્મશાનગૃહોમાં જે મૃતદેહોની અંતિમ સંસ્કાર વિધિ સંપન્ન કરવામાં આવેલ હોય તે મૃતકના મૃત્યુના પ્રમાણપત્ર અંગે ભારે સમસ્યા હાલમાં સર્જાય છે. કારણ કે મહાનગરપાલિકા દ્વારા એવા મૃત્યુના પ્રમાણપત્ર આવે છે કે જે વ્યકિતઓના અગ્નિ સંસ્કાર જામનગરના બન્ને સ્મશાનગૃહોમાં કરવામાં આવ્યા હોય અને સ્મશાન ટ્રસ્ટ દ્વારા મહાનગરપાલિકાને યાદી મોકલવામાં આવે છે. તેમજ હોસ્પિટલમાં જો મૃત્યુ પામ્યા હોય તો હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પણ પ્રમાણ પત્ર આપવામાં આવે છે. પરંતુ જે લોકો ઘરે મૃત્યું પામ્યા હોય અને અગ્નિસંસ્કાર વિધિ આસપાસના ગ્રામ્ય વિસ્તારના સ્મશાનગૃહોમાં કરવામાં આવેલ હોય તેને પ્રમાણ પત્ર મહાનગરપાલિકા આપતુ નથી. જેને લીધે શહેરીજનો ભારે હાલાકીમાં મુકાયા છે.
રાજય સરકાર દ્વારા આવા મૃતકોના પરિવારજનોનેકે જેઓએ ગ્રામ્ય વિસ્તારના સ્મશાનગૃહમાં અગ્નિ સંસ્કાર વિધિ કરેલ હોય તેઓને પ્રમાણ પત્ર ગ્રામ પંચાયત દ્વારા મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ અને વ્યકિતઓ દ્વારા જે સ્મશાનગૃહ મદદરૂપ થવા માટે કાર્યરત કરાયા છે ત્યાં મૃત્યું પામેલાના અગ્નિ સંસ્કાર વિધિ થયેલા તેની નોંધ થાય તેવી વ્યવસ્થા રાજય સરકાર દ્વારા કરવામાં આવે તો આ પ્રમાણ પત્રનો પ્રશ્ન પણ ઉકેલાય જાય. સરકારના પરિપત્ર મુજબ મૃત્યુંના પ્રમાણપત્ર વગર કોઇ પણ મૃતકનો દાખલો મળતો નથી. જેને લીધે જે સામાન્ય કિસ્સામાં ઘરે જ મૃત્યું પામ્યા હોય અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં અગ્નિ સંસ્કાર કર્યા હોય તેવા લોકોને મૃત્યુ અંગેનું પ્રમાણ પત્ર મળી રહે તે જરૂરી છે.