- જામનગર તાલુકાના ખંભાલીડા ગામમાં એક વાડી ના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબી નો દરોડો
- મોટી બાણુગાર- રાજકોટ-વાંકીયા-ધ્રોળ સહિતના ૯ જુગારીયા તત્વો રંગે હાથ ઝડપાયા: ૩.૨૮ લાખની મતામાલ કબજે
જામનગર ન્યૂઝ : જામનગર તાલુકાના ખંભાલીડા ગામમાં આવેલી એક વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને આસપાસના વિસ્તારના લોકો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે એલસીબી ની ટુકડી એ દરોડો પાડી નવ આરોપીઓને ઝડપી લીધા છે ,અને તેઓ પાસેથી રોકડ રકમ સહિત રૂપિયા ૩.૨૮.૦૦૦ ની માલમતા કબજે કરી છે.
જામનગર તાલુકાના ખંભાલીડા ગામમાં રહેતા મહીરાજસિંહ જયવંતસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા પોતાની વાડીના મકાનમાં જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે, અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ત્યાં આવીને જુગાર રમી રહ્યા છે. તેવી બાતમી ના આધારે ગઈકાલે રાત્રે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન ૯ શખ્સો ગંજી પાના વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે વાડી માલિક મહીરાજ સિંહ જયવંતસિંહ જાડેજા તેમ જ ધ્રોળના કાંતિ મગનભાઈ દલસાણીયા, વાંકીયા ગામના કારાભાઈ ભીખાભાઈ ઝાપડા, રાજકોટના કાંતિલાલ ડાયાભાઈ ભીમાણી, ખંભાલીડા ગામના નરેન્દ્રસિંહ રામસિંગ જાડેજા તેમજ ચેતન ભેંસદડીયા અને જાદવજીભાઈ જેસાભાઇ બાંભવા ઉપરાંત ધ્રોલના શાંતિલાલ બાવજીભાઈ ગડારા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧,૩૮,૫૦૦ ની રોકડ રકમ, નવ નંગ મોબાઈલ ફોન, પાંચ નંગ બાઇક સહિત કુલ ૩,૨૮,૬૫૦ની માલમતા કબજે કરી છે.
સાગર સંઘાણી