સાગર સંઘાણી
ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસને હોમગાર્ડ જવાનો મદદ કરતા હોય છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં હોમગાર્ડ જવાન જ દારૂ મંગાવવાના ગુન્હામાં સપડાયેલો જોવા મળ્યો હતો. જામનગરમાં હોમગાર્ડ ના જવાન દ્વારા મંગાવવામાં આવેલો ૧૬૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો એલસીબી એ પકડી પાડ્યોઈંગ્લીશ દારૂ અને ઇકો કાર સહિતની માલમત્તા કબજે કર્યા હતા. દારૂ મંગાવનાર હોમગાર્ડના જવાન તથા સપ્લાયરને ફરારી જાહેર કરાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાની છે જ્યાં હોમગાર્ડમાં ફરજ બજાવતા અને શાંતિનગર વિસ્તારમાં રહેતા પૃથ્વીરાજસિંહ અમરસિંહ જાડેજા દ્વારા બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવાયો છે, અને ઇકો કારમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે, તેવી બાતમી એલસીબીની ટીમે શાંતિનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન એક ઇકો કારમાં દારૂ સાથે નીકળેલા યોગીરાજસિંહ બળવંતસિંહ જાડેજા ને આંતરી લીધો હતો, અને તેની પાસેથી ૬૭,૨૦૦ ની કિંમતનો 168 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો અને ઇકો કાર, મોબાઇલ ફોન વગેરે મળી પોણાં ત્રણ લાખ ની માલ મતા કબજે કરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન હોમગાર્ડના જવાન પૃથ્વીરાજસિંહ અમરસિંહ જાડેજા એ દારૂ મંગાવ્યો હોવાનું જ્યારે ચોટીલા પંથકના મોલડી ગામના મહેન્દ્રભાઈ કાઠી દ્વારા દારૂનો જથ્થો સપ્લાય કરાયો હોવાનું કબુલતાં પોલીસે તે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.