મહાનગરપાલિકાની ગઈકાલે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં શહેરમાં ગુલાબ નગર શાકમાર્કેટના વેચાણના નિર્ણયને વિપક્ષી સભ્યો દ્વારા ગેરકાયદે ગણાવ્યો હતો. વિપક્ષી સભ્ય જેનમબેન ખફી અને ધવલ નંદા આ વેચાણમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરી વેચાણ સંબંધી એજન્ડા પેન્ટિંગ રાખવા સામાન્ય સભામાં માગણી કરી હતી
કમિશ્નર વિજય ખરાડીની નવનિયુક્ત બાદ આ પ્રથમ સામાન્યસભા હતી જેમાં ફાયર સ્ટેશન ઓફિસરની લાયકાત સુધારવા તેમજ ફાયરમેન કમ ડ્રાઈવરની જગ્યાનું નામ બદલાવા સ્ટેન્ડીંગ કમિટીમાં કરવામાં આવેલા નિર્ણયને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ વધારવામાં આવેલી રિબેટ યોજનાની મુદત તેમજ બ્રુક બોન્ડ ગ્રાઉન્ડની જગ્યાએ કોર્ટ સંકુલ માટે ફાળવવામાં આવતા આ જગ્યાનો રિઝર્વેશન રદ કરવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો.ગુલાબ નગર શાકમાર્કેટ વેચાણનો મુદ્દો વિપક્ષી સભ્ય દ્વારા વિરોધ દર્શાવ્યો હતો અને વેચાણ કૌભાંડ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
જેમાં સામાન્ય સભામાં કમિશ્નરને પત્ર પાઠવી શાકમાર્કેટ વેચાણનો એજન્ટ મોકુફ રાખવા તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી. એટલું જ નહીં જ્યારે અહીં શાકમાર્કેટ ઊભી કરવામાં આવી તેમજ ત્યારે તેનું વેચાણ કરવામાં આવ્યું ત્યારે મહાનગરપાલિકા દ્વારા સરકાર કે કલેક્ટરની કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી તેવું વિપક્ષી સભ્યે કહ્યું હતું અને તપાસ કરાવવા માગણી કરી હતી. જ્યારે વિજીલન્સ તપાસની પણ માગણી કરવામાં આવી હતી.
બીજી બાજુ જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી સોલિડવેસ્ટ શાખામાં કચરાની ગાડી વિશેનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, શહેરમાં કચરો ઉપાડતી કોન્ટ્રાક્ટરની કંપની દ્વારા 50માંથી 40 ગાડીમાં કેરણ ભરીને વજન વધારવામાં આવે છે અને જેમાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. વિપક્ષી નેતા અલ્તાફ ખફી સામાન્ય સભામાં અધ્યક્ષ અને કમિશનરને અને શાસક પક્ષને ત્યાં સુધીની ચેલેન્જ કરી હતી કે, જો 50માંથી 40 ગાડીઓમાં કેરણ ના નીકળે તો હું મારું જાહેરજીવન છોડી દવ અને કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દઉં ત્યારે સામાન્ય સભામાં સોપો પડી ગયો હતો. ત્યારબાદ અધ્યક્ષ અને કમિશ્નરે તપાસ કરીશું તેવું પણ આશ્વાસન આપ્યું હતું.