જામનગર સમાચાર
જામનગરની ક્ષાર અંકુશ પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા અને પ્રગતિ પાર્ક સોસાયટીમાં રહેતા એક કર્મચારીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જે મામલે બેડી મરીન પોલીસ સ્ટેશન નો સ્ટાફ વધુ તપાસ ચલાવે છે.
જામનગરમાં પ્રગતિ પાર્ક -૨ સોસાયટીમાં પેલેસ એપાર્ટમેન્ટના ૧૦૩ નંબરના ફ્લેટમાં રહેતા અને ક્ષાર અંકુશ પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા જયસુખભાઈ વેલજીભાઈ કાનાણી નામના ૫૪ વર્ષના કર્મચારીએ પરમદીને ખારા બેરાજા ગામ નજીક બંધારો ડેમ પાસે આવેલા એક ઝાડની ડાળીમાં પોતાના શર્ટ વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી.
સૌપ્રથમ તેઓ લાપતા બન્યા હોવાથી પરિવારજનો દ્વારા સીટી સી. ડિવિઝન પોલીસમાં ગુમ નોંધ કરાવી હતી, ત્યારબાદ ગઈકાલે તેમનું બાઈક નિર્જન સ્થળેથી મળી આવ્યું હતું, જે સ્થળની આસપાસ પોલીસ દ્વારા તપાસ કરાવતાં તેમનો ઝાડની ડાળીમાં લટકી રહેલો મૃતદેહ મળી આવ્યો હતો.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અમૃતલાલ વેલજીભાઈ કાનાણીએ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જેમણે કયાં સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.