કારમાં સીએનજી ભરતી વેળાએ જ ચાલકે સેલ્ફ મારતા આગ ભભૂકી: ફીલીંગ મશીન સુધી પહોંચી ગઈ
ફીલરમેન, ચાલક દૂર જતા બચી ગયા
જામનગર-કાલાવડ માર્ગ પર મોરકંડા પાસે આવેલા સીએનજી પંપમાં ગઈકાલે સાંજેએકાએક આગ લાગી હતી. ગેસ ભરાવવા આવેલી મોટરમાં સ્પાર્ક થયા પછી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. તાત્કાલીક ધસી ગયેલા ફાયરબ્રિગેડના સ્ટાફે આગને થોડીવારમા જ કાબૂમાં લઈ લીધી હતી. તેમ છતાં મોટર બળી ગઈ હતી અને ફીલીંગ મશીનને નુકસાન થયું હતું.
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા મોરકંડા ગામ નજીકના યુનો પેટ્રોલિયમ નામના સીએનજી પંપમાં ગઈકાલે સાંજે સાડા સાતેક વાગ્યે જીજે-૩-સીએ-૨૪૪૫ નંબરની એક મોટર ફ્યુઅલ (સીએનજી) ભરાવવા માટે આવી હતી. સામાન્ય રીતે સીએનજી પંપ પર ફ્યુઅલ ભરાવવા આવતા વાહનોમાંથી તેના ચાલક અને તેમાં રહેલા અન્ય વ્યક્તિઓને નીચે ઉતરી જવા સૂચના આપવામાં આવતી હોય છે તે જ રીતે આ મોટરમાંથી પણ તેના ચાલક અને અન્ય વ્યક્તિને નીચે ઊભા રહેવા સૂચના આપી પંપના ફીલરે ગેસ ભરવાનું શરૃ કર્યું હતું. તે દરમ્યાન મોટરના ચાલકે સેલ્ફ મારતા મોટરમાં સ્પાર્ક થતાં અત્યંત જ્વલનશીલ એવા સીએનજીએ તેને ઝડપી લઈ ભડકો કર્યો હતો.
મોટરની ડેકીમાં ગેસ ભરી રહેલા ફીલર તેમજ મોટરચાલક સહિતના વ્યક્તિઓએ સાવચેતી વાપરી તુરંત જ દોટ મૂકતા કોઈ વ્યક્તિ દાઝયા ન હતાં પરંતુ આગ પંપમાં ફીલીંગ મશીન સુધી પહોંચી ગઈ હતી. પંપ પર હાજર કર્મચારીઓએ તાત્કાલીક જ અગ્નિશમન માટે રાખવામાં આવેલા ફાયર સેફ્ટીના સીલીન્ડરથી ફાયરીંગ શરૂ કરી દીધું હતું તેમ છતાં આગ અટકી ન હતી.
ઉપરોક્ત બનાવની કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા યુદ્ધના ધોરણે ફાયરના જવાનો ધસી ગયા હતાં. તાત્કાલીક શરૃ કરાયેલી અગ્નિશમનની કામગીરીના અંતે ગણતરીની મિનિટોમાં આગને વધુ પ્રસરતી અટકાવવામાં આવી હતી. તેમ છતાં ફીલીંગની નળીથી આગળ વધેલી આગે અડધા ફીલીંગ મશીનને ખાખ કરી નાખવા ઉપરાંત મોટરને પણ બાળી દીધી હતી. સદ્દનસીબે જાનહાનિ અટકી છે. આગના લબકારા જોઈ મોરકંડાથી કાલાવડ વચ્ચેના માર્ગ પર વાહનો ઊભા રહી ગયા હતાં. બનાવની જાણ થતા પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. પોલીસે સાવચેતી વાપરી સીએનજી પંપ તરફ આવતા વાહનોએ દૂર જ અટકાવી દીધા હતાં. સ્થળ પર દોડી આવેલી સીએનજીની એક ટુકડીએ પણ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.