પત્રકાર મંડળની કડક કાર્યવાહીની એસપી સમક્ષ રજૂઆત
જામનગરના પંપ હાઉસ પાસે ગઈરાત્રે એક પત્રકારની મોટરનો પીછો કરી ચાર શખ્સે મોટરમાંથી ઉતરી તે પત્રકારનો મોબાઈલ ઝૂંટવી લઈ સરાજાહેર દાદાગીરી કરી હતી. આ બાબતે આજે જામનગર પત્રકાર મંડળે જિલ્લા પોલીસવડા ને આવેદન પાઠવી કડક કાર્યવાહી કરવા ની માંગ કરી છે.
જામનગરની સાધના કોલોનીમાં રહેતા અને અકિલાના પ્રતિનિધિ મુકુંદભાઈ મોહનલાલ બદિયાણી એકાદ વાગ્યે પોતાની મોટરમાં ઘર તરફ જતા હતા ત્યારે પંપહાઉસ પાસે એક મોટરે તેઓનો પીછો કર્યો હતો.
હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા મોટરમાંથી ઉતરેલા ચાર શખ્સે ફોટો કેમ પાડ્યો ? તેમ કહી આ પત્રકારનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને ગાળો ભાંડી હતી. તે પછી પત્રકારનો તેમજ તેની મોટરનો ફોટો પાડી આ શખ્સોએ પોલીસમાં ફરિયાદ કરીશ તો અમે ડરતા નથી તેમ કહી ધમકી આપી હતી.દરમ્યાન આજે જામનગર પત્રકાર મંડળે એસપીને આવેદન પાઠવ્યું હતું.
આ પત્રકારે પોતાની ફરજના ભાગરૃપે અસામાજિક તત્ત્વો દ્વારા કરાતા અત્યાચાર અંગે પોતાના દૈનિકમાં અહેવાલ આપતા તેઓને ધમકી અપાઈ હોય આ કૃત્યમાં સંડોવાયેલા તત્ત્વોને તાત્કાલિક પકડી પાડવા પત્રકારો દ્વારા માંગણી કરવામાં આવી છે.
આજે સવારે એસપી પ્રેમસુખ ડેલુને પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ કિંજલ કારસરીયા, મંત્રી જગત રાવલ, સહમંત્રી સૂચિત બારડ, ખજાનચી દીપક લાંબા સહિતના હોદ્દેદારોએ રૂબરૂ રજૂઆત કરી હતી. જે અંગે એસપીએ પગલાં લેવાની ખાતરી આપી છે.