જયેશને જામનગર લાવવામાં આવશે તો રાજકીય, ધંધાકીય અને તેની સાથે સંડોવાયેલા શખ્સોને રેલો આવશે
લંડનની નીચેની કોર્ટના નિર્ણયને પડકારશે તો ભૂમાફીયાનો કબ્જો મેળવવા રાહ જોવી પડશે
વકીલ કિરીટ જોષી હત્યા, ખંડણી, જમીન કૌભાંડ સહિત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો
સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર અને જામનગરના એડવોકેટ કિરીટ જોષી હત્યા, ખંડણી અને જમીન કૌભાંડ સહિત 40થી વધુ પોલીસ ચોંપડે ચડી ચુકેલા ભૂમાફીયા જયેશ પટેલને લંડનથી પ્રત્યાપર્ણ નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે. જયેશ પટેલ ભારત લાવ્યા બાદ પોલીસ તપાશમાં કંઇકના ભાંડા ફૂટે તો નવાઇ નહી તેમજ જયેશ પટેલ ગુજરાત આવવાનો માર્ગ મોકળો થયાના સમાચાર વાયુ વેગે પ્રસરતા જયેશના સાગરીતો અને તેની સાથે જોડાયેલા લોકોના પગ તળેથી જમીન સરકી રહી છે.
જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા અને જમીન કૌભાંડ સહિત અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા ભુમાફિયા જયેશ પટેલને ભારત મોકલવા માટે લંડન કોર્ટ દ્વારા નિણર્ય લેવાયો હોવાનું સામે આવ્યું છે. જામનગર પોલીસ દ્વારા લાંબા સમયથી જયેશ પટેલના પ્રત્યાર્પણ માટે મહેનત કરવામાં આવતી હતી. જે કાનૂની ગૂંચ ઉકેલાયા બાદ હવે જયેશને ભારત લાવવા માટેનો માર્ગ મોકળો બન્યો છે. જામનગરના ભૂમાફિયા અને ગેંગસ્ટર જયેશ પટેલને ભારત પ્રત્યાર્પણ કરવાના કેસની સુનાવણી લંડનની કોર્ટમાં પૂર્ણ થઈ ગઈ છે. કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને ગુજરાત પરત લવાશે. સૌથી પહેલા વિશાલ માડમ સાથે ભૂમાફિયાગીરી શરૂ કરી હતી. ટૂંકાગાળામાં જ જયેશ પટેલ માલેતુજાર બની ગયો હતો. જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડ જયેશ પટેલના નામે છે. ખંડણી, અપહરણ અને હત્યા સહિત 40થી વધુ ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે. વર્ષ 2018માં વકીલ કિરીટ જોશીની ચપ્પાના ઘા મારીને હત્યા કરાઈ હતી. કિરીટ જોશી હત્યા કેસમાં જામીન પર છૂટ્યા પછી બનાવટી પાસપોર્ટના આધારે જયેશ પટેલ દેશ છોડીને વિદેશ ભાગી ગયો હતો. જયેશ પટેલ ઉર્ફે જયસુખ મુળજીભાઈ રાણપરીયાની માર્ચ 2021માં લંડન ખાતે ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. લંડનની કોર્ટમાં કેસ ચાલે છે.
ભારત સરકાર દ્વારા આરોપીનો પ્રત્યાપણથી કબ્જો લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ અંગેનો કેસ લંડનની કોર્ટમાં ચાલે છે. આ અગાઉ થયેલી સુનાવણીમાં લંડનની વેસ્ટમીનસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં જયેશ પટેલને વીડિયો કોન્ફરન્સ મારફતે હાજર રખાયો હતો. આ દરમિયાન ભારત સરકાર વતી કલેર ડોબિન નામક ધારાશાસ્ત્રી હાજર રહ્યા હતાં.
જયેશ પટેલની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો
જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરૂદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ અને તેના 14 સાગરીતો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયા, ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી, નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ, એડવોકેટઅને બે ભાઈ સહિત 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.