શરીરે ઈજાના નિશાન જોવા મળતા ફોરેન્સીક પી.એમ.માં ખુલાસો અજાણી મહિલા સામે હત્યાનો નોંધાતો ગુનો
જામનગરમાં બેડીગેઇટ વિસ્તારમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી, જે બાળકીનો પોલીસે કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવતાં તેણીને માર મારવામાં આવ્યો હોવાનો અને તે ઇજા ના કારણે મૃત્યુ થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો, જેથી પોલીસે અજ્ઞાત સ્ત્રી સામે હત્યા નો અપરાધ નોંધી સીસીટીવી કેમેરાઓની મદદથી અજ્ઞાત સ્ત્રીને શોધવાની કવાયત હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી ગેઇટ નજીકના વિસ્તારમાંથી શનિવારે સવારે નવજાત બાળકી ને ગટર પર ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. જેથી સૌપ્રથમ સીટી બી. ડિવિઝનના મહિલા પીએસઆઇ એસ.વી. સામાણી પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને બાળકીનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ઝાલા તેમજ સ્ટાફના મુકેશસિંહ રાણા, રઘુભા જાડેજા, સલીમભાઈ સહિતની ટીમ પણ આ પ્રકરણમાં તપાસમાં જોડાઈ હતી, અને બાળકીના શરીર પર પ્રાથમિક દ્રષ્ટિએ ઇજાના નિશાનો જોવા મળ્યા હતા, જેથી હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
જેના રિપોર્ટમાં પોલીસ ને સમર્થન મળ્યું હતું, અને બાળકીને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં માર મારવામાં આવ્યો હોવાના કારણે બાળકીનું મૃત્યુ હોવાનો ખુલાસો થયો હતો.
જેથી બાળકીની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા તારણ કાઢવામાં આવ્યું હતું, અને મહિલા પીએસઆઇ એસ.વી.સામાણી સરકાર પક્ષે જાતે ફરિયાદી બન્યા હતા, અને અજ્ઞાત સ્ત્રી સામે હત્યા અંગેની કલમ 302 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ તપાસવાનું શરૂ કરી દીધું છે, તેમજ જામનગરની સરકારી હોસ્પિટલ ઉપરાંત બેડી ગેઇટ અને આસપાસના વિસ્તારના અન્ય મેટરનીટી હોમ વગેરેમાં પણ કોઈ સ્ત્રી એ બાળકીને જન્મ આપ્યો છે કે કેમ, તે અંગેની સઘડી જાણકારી એકઠી કરવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.