જામનગર આઇએનએસ વાલસૂરામાં ભારત અને અન્ય 29 દેશની 40,000 ટિકિટનું પ્રદર્શન યોજાયું હતું.આ તકે યોજાયેલા મારી ડાક ટિકિટ અભિયાનમાં 300 જવાનો અને સિવિલિયનકર્મીઓને ભાગ લીધો હતો. ડાક ટિકિટનો સંગ્રહએ શોખ અને રસનો વિષય છે. યુવાપેઢીને ડાક ટિકિટના સંગ્રહના અનોખા શોખ માટે પ્રોત્સાહન મળે તે હેતુથી વાલસૂરામાં ડાક ટિકિટનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના જાણીતા ડાક ટિકિટ સંગ્રાહક અશોક પંડયાના સંગ્રહમાં વર્ષ 1851 થી ભારતીય ડાક સેવા દ્રારા જાહેર કરવામાં આવેલી પ્રાચીન અને દુર્લભ ડાક ટિકિટ પણ હતી. પ્રદર્શન નિહાળવા વાલસૂરાના અધિકારીઓ,જવાનો અને સિવિલિયનકર્મીઓ તથા કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતાં.
પ્રદર્શન ઉપરાંત મારી ડાક ટિકિટ અભિયાન પણ યોજાયું હતું.જેમાં દરેક વાલસૂરાવાસી પોતાની મનપસંદ ફોટો સાથેની ડાક ટિકિટ બનાવવાની છૂટ આપવામાં આવી હતી.મહદઅંશે કર્મીઓએ ભારતીય સશસ્ત્ર દળોના ટેમ્પલેટ સાથેની ડાક ટિકિટ બનાવી હતી. આ ડાક ટિકિટ પ્રદર્શન પ્રસંગે યોજાયેલા સમારોહમાં ભારતીય નૌસેના ટેમ્પલેટ પર મુદ્રીત પ્રથમ મારી ડાક ટિકિટને જામનગર પોસ્ટ ઓફીસના અધિક્ષક ટી એન મલેક દ્વારા ભારતીય નૌસેનાના કમાન્ડ અધિકારી કોમોડોર સી રધુરામને સોંપવામાં આવી હતી.