બ્રાસ પાર્ટસની તમામ આઈટમો પર ૧૮ ટકા જીએસટી રાખવા માંગ: ઉગ્ર આંદોલનની ચિમકી
જીએસટીના કર દર અને જીએસટીના અમલમાં ક્ષતિઓ તેમજ વિલંબ-આખા દેશના વેપાર ઉદ્યોગ જગતને અકળાવે છે. જામનગરના વેપારીઓનું આ આંદોલન ચાલુ જ છે ત્યારે પ્રથમ વખત બ્રાસ પાર્ટના ઉદ્યોગકારોએ પણ જીએસટી વિરુધ્ધ જંગ છેડયો છે.
બ્રાસ પાર્ટસના ઉદ્યોગકારોનું સૌથી મોટું સંગઠન જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન પ્રમુખ તુલસીભાઈ ગજેરાની આગેવાનીમાં, જીએસટીના વિરોધમાં મેદાનમાં આવ્યું છે. સોમવારે બપોરે હજારો ઉદ્યોગકારો દ્વારા તોતિંગ રેલી વાહનો દ્વારા યોજવામાં આવેલી. બાદમાં સત્તાવાળાઓને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.
આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, બ્રાસ પાર્ટસના વ્યવસાયમાં હજારો પ્રોડકટસ બને છે જેમાં જીએસટીનાં દરો અલગ અલગ રાખવામાં આવ્યા હોય, વ્યવસાયમાં વિસંગતતાઓ જન્મે છે. આ ઉદ્યોગમાં હજારો લઘુ ઉદ્યોગકારો સામેલ છે તેઓએ પ્રોડકટસ પરના વિવિધ કામો અલગ અલગ જગ્યાએ આઉટ સોર્સિંગથી કરાવવાના હોય છે જેને પરિણામે જીએસટીની કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં લઘુ ઉદ્યોગકારોને ખૂબ જ તકલીફ પડે છે.
આ ઉદ્યોગનું સૌથી મોટું હરીફ ચીન છે. હાલની સ્થિતિ ચાલુ રહેશે તો ચાઈનીઝ ઉદ્યોગો આ વ્યવસાયમાં ફાવી જશે. આ ઉદ્યોગને વિષમ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવા માટે જો કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા તાકીદે કાર્યવાહીઓ કરવામાં નહીં આવે તો લાખ્ખો લોકોને રોજગારી આપતો આ વ્યવસાય ભૂતકાળ બની જશે.
આ વ્યવસાયમાં અંદાજે ૫૦૦૦ એકમો અને પ્રત્યેક્ષ-પરોક્ષ રીતે અંદાજે સાડા ચાર લાખ નાગરિકો સંકળાયેલા છે. આ ઉદ્યોગ નાના ઉદ્યોગકારોએ આપબળે વિકસાવ્યો છે જે જીએસટીના કારણે પડી ભાંગશે. બ્રાસની તમામ આઈટમોને ૧૮ ટકા અથવા તેથી ઓછા દરનો જીએસટી લાગવો જોઈએ કેમ કે, બ્રાસના ભંગારની ખરીદીમાં ૧૮ ટકા જીએસટી છે