પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા રૂા.80.52 લાખના દંડની વસૂલાત
જામનગર રેલવે સ્ટેશને વર્ષ-2018થી અત્યાર સુધીમાં એટલે કે 25 જુલાઈ સુધીમાં 9445 યાત્રિકો ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપાયા છે. આથી રેલવે વિભાગ દ્વારા દંડ પેટે રૂા.80.52 લાખની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે 5 વર્ષમાં ગેરકાયદેર રેલવેના પાટા ઓળંગીને જતા 31876 યાત્રિકો પકડાતા રૂા.3,81,100 દંડ વસુલવામાં આવ્યો છે.
જાનનગર રેલવે સ્ટેશન પર રેલવે વિભાગ દ્વારા ગેર કાયદેસર રીતે મુસાફરી કરતા અને નિયમોનો ભંગ કરી પાટા ઓળંગતા મુસાફરોને પકડી પાડવા ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. જે અંતર્ગત જામનગર રેલવે સ્ટેશન પર વર્ષ-2018 થી 25 જુલાઇ 2021 સુધીમાં કુલ 9445 મુસાફરો ટીકીટ વગર ગેરકાયદે રીતે મુસાફરી કરતા ઝડપાયા છે. આથી આ મુસાફરો પાસેથી કુલ રૂા.80,52,260ના દંડની વસૂલાત કરવામાં આવી છે. જેમાં વર્ષ 2018-19માં 7587 યાત્રિકો પાસેથી રૂા.64,12,440, વર્ષ 2019-20માં 1850 યાત્રિકો પાસેથી રૂા.16,37,080ના દંડનો સમાવેશ થાય છે.
જ્યારે વર્ષ 2020-21માં કોરોના સંક્રમણ તથા લોકડાઉનના કારણે મોટાભાગની ટ્રેન રદ થઇ હતી. આથી આ સમયગાળામાં ચાલતી ટ્રેનમાં 7 મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરતા પકડાતા રૂા.2410 દંડ વસુલવમાં આવ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ફકત 1 મુસાફર ટીકીટ વગર મુસાફરી કરતા ઝડપાતા આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે.