જામનગર પંથકમાં કિંમતી જમીનોને ધમકાવી-ડરાવી પાણીના ભાવે નામે કરાવતા ભૂ માફીયા જયેશ પટેલ અને તેની ટોળકી સામે ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે નાસતા-ફરતા ભૂમાફીયા જયેશ પટેલ અને તેના સાગ્રીતો રમેશ અભંગી, સુનિલ ચાંગાણીને રાજકોટ ખાસ ગુજસીટોક અદાલતે ભાગેડુ જાહેર કરીને 30 દિમાં હાજર થવા ફરમાન જારી કર્યુ હતું. આ જાહેરનામા મુજબ 12 ઓગષ્ટ સુધીમાં ત્રણેય આરોપીએ હાજર થવા કહેવાયું છે.
જેથી આજે આરોપીઓ માટે હાજર થવાનો છેલ્લો દિવસ રહ્યો, આરોપીઓ સરેન્ડર નહીં કરે તો કાલથી પોલીસ તેની મિલકત ટાંચમાં લેવા કાર્યવાહી શરૂ કરી શકે છે. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ હેઠળ ગત તા.15/10/20ના રોજ ભૂમાફીયા જયેશ પટેલ અને તેની ટોળકી સામે ફરિયાદ નોંધાઇ હતી. ભૂમાફીયા જયેશ પટેલ અને તેની ટોળકી કરોડો રૂપિયાની જમીનને ખૌફના આધારે પાણીના ભાવે જમીન માલીક પાસેથી પડાવી લેતા હતા.
ત્રણેય ફરાર આરોપીઓને હાજર થવા સીઆરપીસી કલમ 82 મુજબનું જાહેરનામુ રાજકોટની ગુજસીટોક સ્પેશ્યલ કોર્ટે તા.12/7/2021ના રોજ પ્રસિઘ્ધ કર્યુ હતું અને 30 દિવસમાં કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન કર્યુ હતું. આ જાહેરનામાનો અમલ કરાવવા જામનગરના મદદનીશ પોલીસ અધિક્ષક નિલેશ પાંડેય દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ અગાઉ કોર્ટ સમક્ષ ફરિયાદ કરાઇ હતી કે આરોપી જયસુખ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ (રહે.મૂળ ગામ-લોઠીયા, તા.જી.જામનગર, હાલ વિદેશ) અને સુનિલ ગોકળદાસ ચાંગાણી (રહે.જામનગર), રમેશ વલ્લભ અભંગી (રહે.જામનગર) સામે જામનગરના સીટી એ-ડીવીઝન ખાતે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એકટ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટની કલમ મુજબ ગુનો નોંધાયો છે.
આ આરોપીઓ હાલ ભાગી છુટયા છે અથવા ધરપકડ વોરંટની બજવણી ન કરી શકયા તે માટે પોતાની જાતને છુપાવી રાખી છે. જેથી જાહેરનામુ બહાર પાડી કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવે. જેથી સ્પે.જજ ઉત્કર્ષ દેસાઇએ આ ત્રણેય આરોપીઓને તા.12 ઓગષ્ટ 2021 સુધીમાં હાજર થવા હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરીકે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા રોકાયા છે. આરોપીઓ સમય મર્યાદામાં હાજર ન થાય તો તેની મિલ્કત પણ ટાંચમાં લેવાઇ શકે છે.
પોલીસે આરોપીઓની મિલ્કત અંગે માહિતી એકત્ર કરી લીધી હોવાનું પણ જાણવા મળે છે. હવે આરોપી હાજર નહીં થાય તો મિલકત ટાંચમાં લેવાનું શરૂ કરાશે. આવતીકાલથી જ પોલીસ કાર્યવાહી આરંભી શકે છે.ગેંગના ચાર શખ્સોને 12 ઓગસ્ટ સુધીમાં હાજર થવા અદાલતે ફરમાન ર્ક્યુ’તું