વોર્ડ નં.4, 6 અને 12માં ગંદા પાણીની સમસ્યા
જામનગરમાં નળ વાટે દૂષિત પાણી આવી રહ્યાની ફરિયાદો દિન-પ્રતિદિન વધતા શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઇ છે. વોર્ડ નં.4, 6 અને 12 માં નળ વાટે ગંદા પાણી આવતા હોવાથી રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે. આ સ્થિતિમાં વોર્ડ નં.6 ના રહેવાસીઓ અને વોર્ડ નં.12 ની ફરિયાદ લઇ કોંગ્રેસી આગેવાનો મહાનગરપાલિકાની કચેરીએ ધસી આવ્યા હતાં. દૂષિત પાણીમાં દોષ કોનો તે તપાસનો વિષય બન્યો છે ત્યારે મનપાના કમિશ્નરે પાણીના નમૂના લઇ લેબમાં મોકલવાનો આદેશ કર્યો છે. બીજી બાજુ છેલ્લાં ઘણાં દિવસોથી નળ વાટે દૂષિત પાણી આવી રહ્યું હોવાથી જન આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. જો આ જ સ્થિતિ રહી અને દૂષિત પાણીને કારણે શહેરીજનો કોઇ રોગચાળા કે બિમારીનો ભોગ બનશે તો જવાબદારી કોની તે પ્રશ્ન પણ ઉઠયો છે. શહેરના વોર્ડ નં.12 માં મહારાજા સોસાયટી, રંગમતી, મકવાણા, સિલ્વર, ગ્રીન, અમનચમન સોસાયટી, મોરકંડા રોડ, ગરીબ નવાઝ સોસાયટી, સનસીટી 1-2, સેટેલાઇટ, બાલનાથ સોસાયટી, નેશનલ પાર્ક સહિતના વિસ્તારોમા એક મહિના કરતા વધુ સમયથી નળ વાળે ગંદુ પાણી આવતું હોવાથી બિમારીનો ભય ઉભો થયો છે. આથી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા કોંગી કાર્યકરોએ સોમવારે કમિશ્નરને આવેદન પાઠવ્યું હતું.
મેયરને ગંદા પાણીની બોટલ અપાઇ
વોર્ડ નં.4 માં પણ છેલ્લાં ઘણાં સમયથી નળ વાટે ગટરનું ગંદુ પાણી આવતુ હોય આ અંગે વોર્ડના કોંગી નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ મનપાની સભામાં મેયર તરીકે બીનાબેન કોઠારીની વરણી થયા બાદ તેણીને શુભેચ્છાની સાથે ગંદા પાણીની બોટલ આપી રજૂઆત કરી હતી.
પાણીના નમૂનાની ચકાસણી થશે: મ્યુ. કમિશનર
દૂષિત પાણીના નમૂના લઇ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવાની સૂચના વોટર વર્કસ શાખાને આપી છે. તેમ મ્યુ.કમિશનર સતીષ પટેલા જણાવ્યું હતું.
ખેતીવાડી ફાર્મ, ઇન્દિરા કોલોનીમાં બે મહિનાથી ખરાબ પાણી આવે છે
મનપાની કચેરીએ સોમવારે દોડી આવેલા શહેરના વોર્ડ નં.6 માં રહેતા રહેવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, ખેતીવાડી ફાર્મ, ઇન્દિરા કોલોનીમાં ખૂબ ડોળું, કચરાવાળું અત્યંત દુષિત પાણી આવતું હોય પીવા યોગ્ય નથી. બે માસથી સતત આવું ખરાબ પાણી આપવામાં આવે છે. આ અંગે કરેલી રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવી નથી.