જામનગર સમાચાર
જામનગર શહેરના નાગરિકોને પોલીસ વર્તણુક વિરુદ્ધમાં ફરિયાદ કરવી હોય તો તેના માટેના 100 અને 112 નંબર સાથેના પોલીસની મદદ મેળવવા માટેના બેનર- પોસ્ટર જારી કરાયા છે, અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત કોઈ પણ પોલીસ કર્મચારી કે ટી આર બી ના જવાન દ્વારા નાગરિકો પાસે લાંચ ની માંગણી કરવામાં આવે તો એસીબીના 1064 હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.
જામનગર શહેરના નાગરિકોને કોઈ પોલીસ દ્વારા કનડગત થતી હોય અથવા તો પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવાની હોય તો તેના માટેના વહીવટી તંત્ર દ્વારા વિશેષ નંબર જાહેર કરવામાં આવ્યા છે, અને 100 અથવા તો 112 નંબર ડાયલ કરીને પોલીસ કર્મચારી વિરુદ્ધ કોઈ પણ નાગરિક ફરિયાદ નોંધાવી શકે છે, જેની જાણકારી આપવા અને લોકોને જાગૃત કરવા માટે જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યા છે. તેમજ જાહેર સ્થળ ઉપર સ્ટીકર પણ ચોટાડવામાં આવ્યા છે.
જામનગર શહેરના કોઈપણ પોલીસ કર્મચારીઓ અથવા તો ટ્રાફિક બ્રિગેડના જવાનો કોઈ નાગરિકો પાસે લાંચ ની માંગણી કરે, તો તેઓએ તુરત જ એસીબી ની હેલ્પલાઇન ના નંબર 1064 ડાયલ કરીને તે અંગેની ફરિયાદ કરવા માટેના પણ નંબર જાહેર કરાયા છે, અને તેના પણ બેનર પોસ્ટર લગાવાયા છે.
પોલીસ વિરુદ્ધની કોઈપણ કમ્પ્લેઇન બાબતે લોકોને જાગૃત કરવા માટેની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટીઆરબીના જવાનની ફરજ અંગેની માર્ગદર્શિકા જાહેર
જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ટ્રાફિકની ફરજ બજાવતા ટી.આર.બી. જવાનોએ શું કામગીરી કરવાની રહે છે, તે અંગેની પણ લોકોને જાણકારી મળે તે માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, અને તેના પણ જાહેરમાં પોસ્ટરો લગાવાયા છે.
– ટીઆરપીરના જવાનોને પોલીસની સહાયતામાં રહીને કાર્ય કરવાનું હોય છે.
– ટીઆરબી જવાનો નું કામ માત્રને માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે, અને યાતાયાત સરળતાથી થઈ શકે એ જોવાનું છે.
– ટ્રાફિક બ્રિગેડના જવાનોની કામગીરીમાં તેઓ વાહન ચેકિંગ કરીને કે દસ્તાવેજ તપાસીને મેમો ફાડીને દંડ કરી શકતા નથી.
– ટીઆરબી જવાન ફરજ દરમિયાન બહારના કોઈપણ વ્યક્તિને તેમની સાથે મદદમાં રાખી શકતા નથી, તેમજ જો કોઈ ટીઆરબી જવાનની ગેર વર્તુણુંક જણાય તો શહેરની ટ્રાફિક શાખામાં તેની ફરિયાદ કરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
ટીઆરબી જવાનોના યુનિફોર્મની ઓળખના પોસ્ટર જાહેર કરાયા
જામનગર શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ, ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ, તેમજ ટીઆરબી ના જવાનો કે જેઓએ વહીવટી તંત્ર દ્વારા કયા પ્રકારનો યુનિફોર્મ પહેરવાનો રહે છે, તેની પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, અને લોકો તેના યુનિફોર્મના આધારે પોલીસ કર્મચારી અને ટીઆરબી ના જવાનોને ઓળખી શકે તે સંદર્ભના પોસ્ટર પણ જાહેરમાં લગાવવામાં આવ્યા છે.